Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અજમેરમાં હાથફેરો કરવા ગયેલા સુરતના ત્રણ ઝડપાયા

રાજસ્થાનના અજમેરમાંથી શકમંદો જબ્બે : ત્રણમાંથી એક હત્યા સહિતના આરોપમાં પેરોલ લીધા બાદથી ફરાર હતો, હથિયારો સહિતનો સામાન જપ્ત

અજમેર, તા. ૨૩ : રાજસ્થાનના અજમેરમાંથી પોલીસે સુરતના ત્રણ યુવકોની ધારદાર હથિયારો તેમજ અન્ય સામાન સાથે ધરપકડ કરી છે. જણાવાઈ રહ્યું છે કે, યુવકો દરગાહ વિસ્તારમાં હાથફેરો કરવાના ઈરાદે આવ્યા હતા. ત્રણમાંથી એક યુવક હત્યા સહિતના આરોપમાં સુરત જેલમાંથી પેરોલ લીધા બાદથી ફરાર હતો.

અજમેર જિલ્લાના એસપી જગદીશ ચંદ શર્માએ જણાવ્યું કે, ક્લોક ટાવર અને કોતવાલી પોલીસ મથકના પોલીસકર્મીઓએ સંયુક્ત કાર્યવાહી કરી ત્રણેયને ઝડપી લીધા હતા. ત્રણેયની પાસેથી ધારદાર હથિયાર, ,૪૩,૦૦ રૂપિયા રોકડા, મોબાઈલ સહિત અન્ય વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે. તેમણે જણાવ્યું કે, પકડાયેલા યુવકોમાંથી એક હત્યા સહિતના અન્ય મામલામાં સુરત જેલથી પેરોલ લીધા બાદથી ફરાર હતો, જેને ગુજરાત પોલીસ શોધી રહી હતી. તો અન્ય યુવકો સામે પણ જુદા-જુદા ગુના નોંધાયેલા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓએ દરગાહ વિસ્તારમાં પોકેટમારી કરવા આવ્યા હોવાનું કબુલ્યું છે. મળેલી જાણકારી મુજબ, આરોપી ભીડવાળી વિસ્તારમાં જ ગુનાને અંજામ આપતા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ સુરતના પ્રવીણ અઘાર, શેખ મુનાપ અને અફઝલ તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે, આ આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે.

(8:12 pm IST)