Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કોરોનાના નવો સ્ટ્રેન ૬૦ વર્ષથી વધુ વયના લોકો માટે ૩૦ ટકા વધુ ઘાતકીઃપીએમ બોરીસ જોહન્સન

ગઇકાલે એક જ દિવસમાં ૧૬૧૦ મૃત્યુ સાથે કોરોના મૃત્યુઆંકમાં દુનિયાભરમાં યુકે આગળઃએપ્રિલ સુધી લોકડાઉન હળવુ કરવાના કોઇ સંજોગો દેખાતા નથી

યુકે, તા. ૨૩ : યુકેના પ્રાઇમ મીનીસ્ટર બોરીસ જોહન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, કોરોનાનો નવો મ્યુટન્ટ સ્ટ્રેન જૂના કોરોના વાયરસ કરતા વધુ ઘાતકી છે. અગાઉ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે તેને સમર્થન આપતા બોરીસ જહોન્સને જણાવ્યું હતું કે નવો સ્ટ્રેન આસાનીથી લોકોમાં પ્રસરે છે અને જુના વાયરસ કરતા ૩૦ ટકા વધારે ઘાતકી છે. પ્રાઇમ મીનીસ્ટરે જણાવ્યું કે,  લંડન અને સાઉથ આફ્રિકામાં સૌ પ્રથમ દેખા દેનાર કોરોનાનો નવો વાયરસ જીવતો રહેવામાં વધુ સબળ છે.

અગાઉ પ્રોફેસર નીલ ફર્ગ્યુસને જણાવ્યું હતું કે નવા વાયરસથી મૃત્યુનો આંક વધે તેવી શકયતા છે પરંતુ આ વાત તેમણે જો અને તોની જેમ કહી હતી. પરંતુ અભ્યાસના અંતે  વૈજ્ઞાનીકોને એવું માનવુ પડયું છે કે ૬૦ વર્ષથી વધુ વયના લોકોમાં મૃત્યુઆંક વધી રહયો છે. પહેલા જુના વાયરસમાં હજારમાંથી ૧૦ લોકો મૃત્યુને ભેટતા હતા જયારે નવા વાયરસના સ્ટ્રેનથી હજાર દર્દીઓમાંથી ૧૩ મૃત્યને ભેટે છે. દરમિયાન હેલ્થ સેક્રેટરી મેટ હોંકોકે ઝુમના માધ્યમથી લીક થયેલી વિડીયોમાં જણાવ્યું છે કે સાઉથ આફ્રિકાનો નવો વાયરસ વેકસીનની અસર પ૦ ટકા ઓછી કરી નાખે છે. જહોન્સને ઉમેર્યુ છે કે  નવો વાયરસ વધુ ફેલાય એટલું જ નહી તે  નવો વાયરસ છે તેના થોડા પુરાવા મળી રહયા છે. બોરીસ જહોન્સને જણાવ્યું કે ગંભીરતાને જોતા લોકડાઉન ગુડ ફ્રાઇડે સુધી  તો હટાવાશે નહિ જ. ઉલ્લેખનીય છે કે ગઇકાલે એક દિવસમાં કોરોનાનો સૌથી ઉંચો આંક યુકેમાં નોંધાયો હતો. જેમાં ૧૬૧૦ લોકોના એક જ દિવસમાં ભોગ લેવાયા હતા. દુનિયાભરમાં કોરોનાનો મૃત્યુઆંક યુકેમાં સૌથી વધુ છે. ગઇકાલે પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા જહોન્સને એવું જાહેર કર્યુ હતું કે, એપ્રિલ સુધી લોકડાઉન હળવો કરવાના કોઇ સંજોગો દેખાતા નથી.

(12:58 pm IST)