Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

હવે કોઇ નવો પ્રસ્તાવ નહિ અપાય

કૃષિ કાનુન.. સરકારે ખેડૂત આગેવાનોને સ્પષ્ટ કહી દીધું... આનાથી વધુ સારૂ કશુ આપી શકાય તેમ નથી

નવી દિલ્હી, તા.૨૩ કૃષિ કાયદાને લઈને ખેડૂતો સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે શુક્રવારે ૧૧માં તબક્કાની બેઠક મળી. જણાવાઈ રહ્યું છે કે, આ બેઠકમાં કોઈ પરિણામ ન નીકળ્યું. ખેડૂત નેતાઓ મુજબ, આગામી બેઠક માટે સરકાર તરફથી કોઈ તારીખ નક્કી કરાઈ નથી. બેઠકમાં સરકારે યુનિયનોને અપાયેલા બધા સભવિત વિકલ્પો વિશે જણાવ્યું અને કહ્યું કે, તેમણે કાયદાને સ્થગિત કરવાના પ્રસ્તાવ પર આંતરિક ચર્ચા કરવી જોઈએ.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે, ખેડૂતોને બધા પ્રસ્તાવ આપી દેવાયા છે, પરંતુ જો ખેડૂતો પાસે કોઈ સારા વિકલ્પ છે તો તે સરકાર પાસે લઈને આવી શકે છે. મીડિયા રિપોર્ટસ મુજબ, સરકારે કૃષિ કાયદાને લઈને સતત ચાલતી બેઠકોનું કોઈ પરિણામ ન નીકળતું જોઈને પોતાનું વલણ કડક કર્યું છે. જણાવાઈ રહ્યું છે કે, સરકારે ખેડૂતોને કહ્યું છે કે, સૌથી સારો અને છેલ્લો પ્રસ્તાવ આપી દેવાયો છે. ભવિષ્યમાં બીજો કોઈ પ્રસ્તાવ આપવામાં આવશે નહીં.

ખેડૂત યુનિયનોએ આ બેઠકમાં પણ સરકારે કહ્યું કે, તે ઈચ્છે છે કે, ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવે. બેઠક પછી ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે, 'સરકાર તરફથી કહેવાયું કે, ૧.૫ વર્ષને બદલે ૨ વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરી ચર્ચા કરી શકાય છે. તેમણે કહ્યું કે, જો આ પ્રસ્તાવ પર ખેડૂતો તૈયાર છે તો આવતીકાલે ફરી વાત કરી શકાય છે, કોઈ અન્ય પ્રસ્તાવ સરકારે નથી આપ્યો.લૃ રાકેશ ટિકેત કહ્યું કે, ૨૬ નવેમ્બરે પ્રસ્તાવિત ટ્રેકટર રેલી પહેલાની જેમ જ આયોજિત કરાશે.

ખેડૂત સંગઠનો  બેઠકમાં કેન્દ્ર સરકારના વલણથી નારાજ જણાયા. કિસાન મજદૂર સંદ્યર્ષ કમિટીના નેતા એસએસ પંઢેરે કહ્યું કે, 'મંત્રીએ અમને સાડા ત્રણ કલાક સુધી રાહ જોવડાવી. જયારે તેઓ આવ્યા તો તેમણે અમને સરકારના પ્રસ્તાવો પર વિચાર કરવા માટે કહ્યું અને કહ્યું કે, બેઠકોની પ્રક્રિયા પૂરી કરી રહ્યા છીએ. આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારે જોકે ખેડૂત નેતાઓને ૧૨-૧૮ મહિના સુધી આ કાયદાના અમલને સ્થગિત રાખવા સંબંધી તેમના પ્રસ્તાવ પર ફેર વિચારણા કરવા માટે કહ્યું. લગભગ બે મહિનાથી ચાલી રહેલા ગતિરોધનો અંત લાવવા માટે બંને પક્ષો વચ્ચે  ૧૧માં તબક્કાની વાતચીત થઈ. ગત બુધવારે થયેલી વાતચીતમાં સરકારે ત્રણ કૃષિ કાયદાને અમલને સ્થગિત રાખવા અને સમાધાન કાઢવા માટે એક સંયુકત સમિતિ બનાવવાની દરખાસ્ત મૂકી હતી.

જોકે, ગુરુવારે વિચાર-વિમર્શ પછી ખેડૂત યુનિયનોએ આ દરખાસ્તને ફગાવી દેવાનો નિર્ણય કર્યો અને આ કાયદાને રદ કરવા અને એમએસપીની કાયદાકીય ગેરંટી આપવાની પોતાની બે મુખ્ય માંગો પર વળગેલા રહ્યા. ખેડૂત નેતા દર્શન પાલે વાતચીતના પહેલા સત્ર પછી કહ્યું કે, 'અમે સરકારને કહ્યું કે, અમે કાયદાને રદ કરવા ઉપરાંત કોઈ અન્ય બીજી વાત માટે સંમત નહીં થઈએ. પરંતુ, મંત્રીએ અમને અલગથી ચર્ચા કરવા અને મામલા પર ફરીથી વિચાર કરી નિર્ણય જણાવવા કહ્યું.

ખેડૂત યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકેતે કહ્યું કે, 'અમે અમારી સ્થિતિ સરકારને સ્પષ્ટ રીતે જણાવી દીધી કે, અમે કાયદાને રદ કરવા ઈચ્છીએ છીએ, નહીં કે સ્થગિત કરવા. મંત્રી (નરેન્દ્રસિંહ તોમર)એ અમને પોતાના નિર્ણય પર ફેર વિચારણા કરવા કહ્યું.'

(12:57 pm IST)