Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

બજેટમાં કરદાતાઓને મળશે રાહત

ઇન્કમટેક્ષ રેટને તર્કસંગત બનાવાશે

નવી દિલ્હી, તા.૨૩: મોદી સરકાર દેશના કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. વાર્ષિક ૨૦ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને આગામી વર્ષથી ઇન્કમ ટેકસમાં મોટી રાહત મળી શકે છે. પહેલી ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં વિત્ત્। મંત્રી ઇન્કમ ટેકસમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ટેકસ રેટમાં ઘટાડાનાં સંકેત આપ્યા છે.ટેકસ રેટ પર સવાલ પુછવા પર નાણા મંત્રીએ કહ્યું હતું કે, ઇન્કમ ટેકસ રેટને વધારે તર્કસંગત બનાવવા સહિત અન્ય ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાર્ષિક સાત લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા ટેકસનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં પાંચ લાખ રૂપિયાની સુધીની કમાણી પર પાંચ ટકા ટેકસ લાગે છે. જયારે ૭ થી ૧૦ કે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૧૦ ટકા ટેકસનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં ૫ થી ૧૦ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૨૦ ટકા ટેકસ લાગે છે.

જયારે ૧૦થી ૨૦ લાખ રૂપિયા સુધીની કમાણી પર ૨૦ ટકા ટેકસનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં ૧૦ લાખ રૂપિયાથી વધારેની કમાણી પર ૩૦ ટકા ટેકસ વસુલવામાં આવે છે. ૨૦ લાખથી ૧૦ કરોડ રૂપિયા સુધીની કમાણી પર ૩૦ ટકા ટેકસનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત ૧૦ કરોડ રૂપિયાથી વધારેની કમાણી પર ૩૫ ટકા ટેકસનો પ્રસ્તાવ છે.

વર્તમાન ટેકસ વ્યવસ્થાના હિસાબે કોઈપણ વ્યકિતની વાર્ષિક આવક ૨.૫ લાખ રૂપિયાથી વધારે છે તે ટેકસના દાયરામાં આવે છે. પરંતુ હવે લોકોને મોદી સરકાર રાહત આપી શકે છે.

(11:24 am IST)