Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રીઝર્વ બેન્કે કેવાયસી માટે ડોકયુમેન્ટ લીસ્ટમાં એનપીઆર લેટર સામેલ કર્યોઃ બેન્કમાંથી નાણા ઉપાડવા ગ્રાહકોની દોડધામઃ તામિલનાડુની ઘટના

ગ્રાહકો કહે છે અમને હજુ નોટબંધીની પરેશાની યાદ છેઃ બેન્કે જાહેરાત આપ્યા બાદ ગ્રાહકો ગભરાઈને પહોંચ્યા બેન્કમાં

ચેન્નઈ, તા. ૨૩ :. ભારતીય રીઝર્વ બેન્કે હાલમાં જ ભારતીય જનસંખ્યા રજીસ્ટર એટલે કે એનપીઆર પત્રને બેન્ક ખાતુ ખોલવવા માટે કેવાયસીના માન્ય દસ્તાવેજ તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતની જાણ થતા જ તામીલનાડુના થુથુકુડીની નજીક એક ગામના લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી અને લોકો પોતાના ખાતામાંથી પૈસા કાઢવા માટે બેંકોમાં ઉમટી પડયા હતા.

રીઝર્વ બેન્કના નિર્ણય બાદ સેન્ટ્રલ બેન્કની એક સ્થાનિક શાખાએ એક જાહેર પ્રસિદ્ધ કરી જણાવ્યુ કે કેવાયસી વેરીફીકેશન માટે એનપીઆર પત્રને પણ એક કાનૂની દસ્તાવેજ સ્વરૂપમાં સ્વીકાર કરવામા આવશે. તે પછી કયાલપટ્ટીનમ ગામના સેંકડો લોકો પોતાના પૈસા કાઢવા માટે બેન્કની શાખામાં પહોંચી ગયા હતા. આમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હતો.

એક સરકારી કર્મચારીએ પોતાના ખાતામાંથી લગભગ ૫૦ હજાર રૂપિયા કાઢયા. તેમણે કહ્યુ છે કે બધા લોકો ગભરાઈ ગયા છે. અમને નોટબંધી હજુ યાદ છે. અનેક દિવસો સુધી લાઈનમા ઉભુ રહેવુ પડયુ હતુ. બેન્ક આ સ્થિતિમાં અસહાય હતી. અધિકારીઓ કહેતા હતા કે અમને ખબર પડતી નથી કે રીઝર્વ બેન્કે એનપીઆરને યાદીમાં શા માટે સામેલ કર્યુ ?

બેન્કના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે અનેક અન્ય શાખાઓમાં પણ આવી જ રીતે પૈસા ઉપડવા લાગ્યા છે. ૩ દિવસથી લોકો પોતાના ખાતામાંથી મોટી મોટી રકમ ઉપાડી રહ્યા છે. અમે સમજાવવા અસમર્થ છીએ.

જો કે અનેક બેન્કોએ હજુ સુધી કાનૂની કેવાયસી દસ્તાવેજોની યાદીમાં એનપીઆર પત્ર નથી જોડયો. બરોડા બેન્કના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આને હાલ અમે સામેલ નથી કર્યુ. સેન્ટ્રલ બેન્કના પબ્લિક રીલેશન વિભાગના વડા નાયકે કહ્યુ છે કે કયાલપટ્ટીનમમાં જે થયુ તે દુઃખદ છે.

તેમણે કહ્યુ છે કે લોકોમાં ગેરસમજ થઈ છે. જો કોઈ પાસે આધારકાર્ડ હોય તો તે કેવાયસી માટે યોગ્ય છે. પાનકાર્ડ હોય તો અમે સરનામા માટે બીજો દસ્તાવેજ માગીએ છીએ. તેથી સામાન્ય રીતે અમે બે દસ્તાવેજો એકઠા કરીએ છીએ કે જેમની પાસે આધાર ન હોય.

સામાન્ય રીતે કેવાયસી ચકાસણી માટે માન્ય દસ્તાવેજોની સંખ્યા અડધો ડઝન છે. જેમા પાનકાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, રોજગાર ગેરેંટી કાર્ડ અને આધાર સામેલ છે. રીઝર્વ બેન્કે હાલમાં જ એનપીઆર પત્રને યાદીમાં સામેલ કર્યા બાદ અમે તેને અમારી જાહેરાતમાં જોડવુ પડયુ. જો કોઈ વ્યકિત એનપીઆર પત્ર સાથે કેવાયસી માટે આવે તો અમે તેનો ઈન્કાર ન કરી શકીએ.

(11:22 am IST)