Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અનુપમ ખેર 'જોકર' છે, તેમને વધારે મહત્વ આપવાની જરૂર નથીઃ નસીરૂદીન શાહ

દેશમાં વધી રહેલી સાંપ્રદાયિકતા પર ચિંતા વ્યકત કરી

મુંબઈ, તા.૨૩: પોતાની શ્રેષ્ઠ એકિટંગ અને બેબાક નિવેદનો માટે જાણીતા એકટર નસીરુદ્દીન શાહે હાલ નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીની વિરુદ્ઘ દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનોની વચ્ચે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, અનુપમ ખેર જેવા લોકો બોલકણાં છે. મને લાગે છે તેમને વધારે મહત્વ આપવું જોઇએ નથી, તેઓ એક વિદૂષક છે.

એક ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે દેશમાં વધી રહેલી સાંપ્રદાયિકતા પર પણ ચિંતા વ્યકત કરી છે. સાથે જ બીજા કલાકારોના દ્રષ્ટિકોણ પર ખાસ કરીને અનુપમ ખેરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હું ટ્વિટર પર નથી, ટ્વિટર પર સક્રિય લોકો જે વસ્તુ પર વિશ્વાસ રાખે છે તેના પર પોતાનું મન બનાવી લે.

તેમણે જણાવ્યું હતું કે, અનુપમ ખેર જેવા લોકો વિદૂષક છે. મને નથી લાગતુ કે તેમને વધારે મહત્વ આપવાની જરૂર છે, તેઓ એક વિદૂષક છે, તેમના એનએસડી અને એફટીઆઈઆઈના સાથી સાયકોપેથિક નેચરને જણાવી શકે છે, આ તેમના લોહીમાં છે અને તેઓ આને બદલી શકશે નહીં. બીજી તરફ જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમણે નિર્ણય લેવો જોઈએ કે તેઓ શું ઈચ્છે છે, અમને અમારી જવાબદારી યાદ ના અપાવો, અમને અમારી જવાબદારીની ખબર છે.

દીપિકા પાદુકોણ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યંગ એકટર્સ અને ડાયરેકટર્સે પણ આ કાયદાની વિરુદ્ઘ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સુપર સ્ટાર્સના મૌન પર નસીરે જણાવ્યું હતું કે, તેમને તેમના નુકસાનનો ડર છે. દીપિકા પાદુકોણને પણ ઘણું નુકસાન થઈ શકે પરંતુ તે જાહેરમાં ખુલીને એકજુટતા દેખાડવા સામે આવી.

(11:22 am IST)