Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હવે કરચોરો ઉપર તૂટી પડશે આયકર ખાતુ

તિજોરીમાં ૬ ટકા જેટલુ ગાબડુ પડતા હવે સટાસટી

નવી દિલ્હી, તા. ર૩ : ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક મંદીની અસર સરકારી ખજાના પર દેખાવાનું શરૂ થઇ ગયું છે. આવકવેરા વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગયા વર્ષે ૧પ જાન્યુઆરી સુધીની સરખામણીમાં આ વર્ષે ૧પ જાન્યુઆરી સુધીમાં ડાયરેકટ ટેક્ષ રેવન્યુમાં ૬ ટકાથી પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે લક્ષ્ય હાંસલ કરવા અને પોતાની આવક વધારવા માટે આવકવેરા વિભાગ આગામી દિવસોમાં મોટા પાયે અભિયાન ચલાવવાનું છે. તેમાં મોટા કરચોરો વિરૂદ્ધ એકશન લેવાશે એટલું જ નહીં પણ એવા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે. જેમના ખાતાઓ શંકાસ્પદ હોવાનું વિભાગને ડેટા એનેલીટીકસ દ્વારા જાણવા મળ્યું છે.

ગયા અઠવાડીયે આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓની થયેલી મીટીંગમાં બધા ચાલી રહેલા કેસોમાં વસુલાતની પ્રક્રિયા ઝડપી બનાવીને ૩૧ જાન્યુઆરી સુધીમાં નિવારણના આદેશ અપાયા છે જેથી ચાલુ નાણાકીય વર્ષના બચેલા દિવસોમાં સરકારની આવક વધારી શકાય. આવકવેરા અધિકારીઓને એમ પણ કહેવાયું છે કે જરૂર પડે તો દરોડાથી પણ પરહેજ નથી કરવાનું. તપાસ માટે આવકવેરા વિભાગ ડેટા એનાલીટીકસનો પણ ઉપયોગ કરે છે. રજુ કરવામાં આવેલ રિટર્નના આંકડાઓને સિસ્ટમ્સ દ્વારા તેમના બીજા ખાતા અને ખર્ચના આંકડાઓ સાથે ચેક કરવામાં આવી રહ્યા છે જે ખાતાઓમાં મોટુ અંતર જોવા મળે છે તેમના માટે રેડ ફલેગ બહાર પડાય છે. તપાસ પછી વિભાગ આવા ખાતાઓનું રિફંડ પણ રોકી શકે છે.

(10:51 am IST)