Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી જંગ

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા, મનમોહન ઉપરાંત સિદ્ઘુને સ્થાન

નવી દિલ્હી, તા.૨૩:  આગામી આઠ ફેબુ્રઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેને લઈ કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના પૂર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ઘુનું નામ પણ સામેલ છે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મતભેદ બાદ હરિયાણા વિધાનસભા ચૂંટણી વખતે સિદ્ઘુને સાઇડમાં કરી દેવામાં આવ્યા હતા પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ફરી એક વખત નવજોતસિંહ સિદ્ઘુને મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નામનો સમાવેશ કરાયો છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉપરાંત ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓને પણ સ્થાન મળ્યું છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા શત્રુઘ્ન સિંહા, ઉદિત રાજ અને કીર્તિ આઝાદને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય પૂર્વ સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાની સાથે શર્મિષ્ઠા મુખર્જી અને રાગિણી નાયક જેવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે.

લોકપ્રિય ચહેરાઓની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે જેમાં કપિલ સિબ્બલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવત વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ પક્ષ માટે મત માંગતા જોવા મળશે.(૨૩.૬)

(10:18 am IST)