Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મહારાષ્ટ્રમાંથી આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા નવ ઝડપાયા

મુમ્બ્રા,થાણે અને ઔરંગાબાદમાં એટીએસનો સપાટો :ડઝનેક ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું

મુંબઈ : આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલ મનાતા મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી એક કિશોર સહિત નવ લોકો ઝડપી લીધા છે મહારાષ્ટ્રના મુમ્બ્રા,થાણે અને ઓરંગાબાદમાંથી આ ધરપકડો કરવામાં આવી છે.

 મહારાષ્ટ્ર એન્ટી ટેરર સ્ક્વોડના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો આતંકી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવે છે. ગણતંત્ર દિવસ પહેલા મહારાષ્ટ્ર એટીએસ રાજ્યમાં સ્લિપર સેલની પ્રવૃત્તિ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન નવ લોકોની ધરપકડ કરવામાં એટીએસને સફળતા મળી છે.


મળતી માહિતી પ્રમાણે ચોક્કસ બાતમી બાદ ATSએ આ તમામ લોકો વિશે માહિતી એકઠી કરી હતી અને તેમના પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી નજર રાખવામાં આવી રહી હતી.

ISIS સાથે જોડાયેલા લોકો કંઈક કરવાની તૈયારીમાં જ હતા ત્યારે ATSએ તેમને ઝડપી લેવા માટે ડઝન જેટલી ટીમ બનાવી હતી. આ ટીમોને મંગળવારે રાત્રે મુમ્બ્રા, થાણે અને ઔરંગાબાદ સહિત અલગ અલગ પાંચ જગ્યાએ મોકલવામાં આવી હતી

(1:04 pm IST)