Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમેરિકા : અલાસ્કા દરિયા કાંઠે ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જારી કરાઈ : ગંભીર નુકસાન ટળી જતાં તંત્રને મોટી રાહત : કલાકોના ગાળા બાદ ચેતવણી રદ : મોટી સંખ્યામાં લોકોમાં દહેશત

વોશિંગ્ટન,તા. ૨૩ : અમેરિકામાં આજે અલાસ્કાના દરિયાકાંઠે વિનાશકારી ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૮.૨ જેટલી આંકવામાં આવી છે. ભૂકંપનો વિનાશકારી આંચકો આવ્યા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. સુનામીની આ ચેતવણી અલાસ્કાના અનેક વિસ્તારો અને કેનેડા માટે જારી કરવામાં આવી હતી. અમેરિકી ભૂકંપ સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, આજે ૮.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. અમેરિકામાં સમગ્ર પશ્ચિમી દરિયાકાંઠા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અલાસ્કાના ચિનિએક શહેરથી દક્ષિણ પૂર્વ ૨૫૬ કિલોમીટરના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સ્થાનિક સમય મુજબ સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનમાં હોવાના કારણે તેની સીધી અસર જોવાઈ ન હતી. ઇમરજન્સી વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, અલાસ્કા અને બ્રિટિશ કોલંબિયા માટે ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અન્યત્ર જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સુનામીની ચેતવણી આપતા કહેવામાં આવ્યું હતું કે, દરિયામાં પ્રચંડ મોજા ઉછળી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું. અમેરિકાના અલાસ્કા વિસ્તારમાં પ્રચંડ ભૂકંપ બાદ સમગ્ર અમેરિકામાં આને લઇને દહેશત રહી હતી. કેનેડામાં પણ લોકોમાં સુનામીની ચેતવણી જારી કરાતા દહેશત જોવા મળી હતી. વિનાશકારી ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે ભૂતકાળમાં ભારે નુકસાન થઇ ચુક્યા છે. વિનાશકારી આંચકામાં કોઇ ગંભીર નુકસાનના સમાચાર મળ્યા નથી. વોશિંગ્ટન, કોરેગન, કેલિફોર્નિયા, બ્રિટિશ કોલંબિયા અને હવાઈ માટે સુનામીની વોર્નિંગ મોડેથી રદ કરવામાં આવી હતી. ભૂકંપના બે કલાક બાદ વિનાશક મોજા ઉપર નજર રખાઈ હતી. મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું.

(8:36 pm IST)