Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વેલ્થની સાથે વેલનેસ ઇચ્છો છો તો ભારત આવો : મોદીનું સુચન

દાવોસ વિશ્વ આર્થિક મંચમાં મોદી ફરી એકવાર છવાઈ ગયા : સમૃદ્ધિની સાથે શાંતિ, હેલ્થની સાથે સમગ્રતા ઇચ્છો છો તો ભારત આવવાની જરૃર છે : વિશ્વ સમક્ષ ૩ પડકારો ક્લાઇમેટ ચેંજ, ત્રાસવાદ, સંરક્ષણવાદ છે

દાવોસ,તા. ૨૩ : વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઉદ્ઘાટન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના પડકારોને રજૂ કર્યા હતા અને આનો સામનો કરવા માટે વિકલ્પો પણ રજૂ કર્યા હતા. ક્લાઈમેટ ચેંજ, આતંકવાદ અને સંરક્ષણવાદ દુનિયાની સામે ત્રણ સૌથી મોટા પડકાર છે તેમ કહેતા મોદીએ નામ લીધા વગર દુનિયાની મોટી તાકાતોની ઝાટકણી કાઢી હતી. મોદીએ સારા અને ખરાબ આતંકવાદને લઇને અમેરિકા અને પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી હતી. સંરક્ષણવાદને લઇને અમેરિકાની પરોક્ષરીતે ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે, ભારત અન્ય કોઇ દેશની જમીન ઉપર નજર રાખતું નથી. મોદીએ આ વાત કરીને ચીનની પણ પરોક્ષરીતે ઝાટકણી કાઢી હતી. મોદીએ દુનિયાની દરારો અને અંતરોને ઘટાડવા માટે શાસ્ત્રો, ગૌત્તમ બુદ્ધ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ દુનિયાને ભારતમાં રોકાણ કરવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ખુબ સારા સ્વાસ્થ્ય, નાણા અને સમૃદ્ધિ માટે ભારતમાં આવવાની જરૃર છે. મોદીએ વર્ષ ૧૯૯૭માં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની દાવોસ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તે વખતે ભારતનો જીડીપી ૪૦૦ અબજ ડોલરની આસપાસ હતો. હવે બે દશક બાદ છ ગણો થઇ ગયો છે. તે વખતે આ ફોરમનો વિષય બિલ્ડિંગ દ નેટવર્ક સોસાયટી હતો. આજે ૨૧ વર્ષ બાદ ૧૯૯૭વાળા વિષય સદી જુના લાગે છે. આજે અમે માત્ર નેટવર્ક સોસાયટી નહીં બલ્કે અમે બિગડેટા આર્ટિફિકેશન ઇન્ટેલીજન્સવાળી સોસાયટીના છે. તે વખતે યુરોનું ચલણ ન હતું. બ્રેકઝીટની સંભાવના પણ ન હતી. તે વખતે ખુબ ઓછા લોકોને ઓસામા બિન લાદેનના નામ અંગે માહિતી હતી. હેરી પોર્ટરનું નામ પણ ન હતું. એ વખતે સાઇબર દુનિયામાં એમેઝોન શબ્દ સર્ચ કરવામાં આવે તો નદીઓ અને વન્ય વિસ્તારોની માહિતી મળતી હતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. એ વખતે પણ દાવોસ પોતાના સમયમાં આગળ હતું અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક થતી હતી. આજે પણ દાવોસ સમય કરતા આગળ છે. આ વખતે ફોરમનો વિષય ક્રિએટીંગ એ શેર ફ્યુચર ઇન ફ્રસ્ટટર્ડ વર્લ્ડ છે. એટલે કે તિરાડોથી ભરેલા વિશ્વમાં સંયુક્ત ભવિષ્યના નિર્માણની વાત છે. નવા નવા ફેરફારો થઇ રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ટેકનોલોજી આધારિત ફેરફારો થઇ રહ્યા છે.

વિજ્ઞાન, ટેકનોલોજી અને આર્થિક પ્રગતિના નામ ઉપર એક નવી સોચ ઉભી થઇ રહી છે. માનવીની સમૃદ્ધિ માટે નવા રસ્તા ખુલી રહ્યા છે. ક્લાઈમેટ ચેંજ પણ એક મોટા પડકાર તરીકે છે. આના કારણે માનવી સામે પડકારો ઉભા થઇ રહ્યા છે. ગ્લેશિયરની પીછેહઠ થઇ રહી છે. બરફ ઓગળી રહ્યો છે. ઘણા દ્વીપ ડુબી ગયા છે. આની અસર સીધીરીતે દેખાઈ રહી છે. ખુબ વધારે ઠંડી, ખુબ વધારે વરસાદ, પુર અને દુષ્કાળની સ્થિતિ આની અસર છે.

(8:33 pm IST)