Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લેવડાવ્યા

મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ હેમંત ગુપ્તાએ

ભોપાલ તા. ૨૩ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે આજે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં રાજભવન ખાતે રાજયના ૨૭મા રાજયપાલ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ તેમને શપથ લેવડાવ્યા હતા. આનંદીબહેન પટેલ સોમવારે રાત્રે ૮.૨૫ કલાકે ભોપાલ પહોંચી ગયા હતા. ૭૬ વર્ષનાં આનંદીબહેને દીકરી અનાર, પુત્ર સંજય અને પરિવારના ૧૬ સભ્ય સાથે ગાંધીનગરથી ઉજ્જૈન સુધી ૪૧૫ કિ.મી.ની સફર ચાર્ટર્ડ બસથી કરી હતી.મધ્ય પ્રદેશ સરકારે તેમને સ્ટેટ પ્લેન મોકલવાની તૈયારી કરી હતી, પરંતુ આનંદીબહેન બસમાં જ સફર કરવાનો નિર્ણય કર્યો હતો. આ સફર દરમિયાન રસ્તામાં રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. આનંદીબહેન પટેલે શપથ ગ્રહણ કર્યાં તે પહેલાં સોમવારે સાંજે ૪.૦૦ વાગ્યે ઉજ્જૈન પહોંચીને તેમણે પરિવાર સાથે મહાકાળનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યાંથી તેઓ રાજભવનની સરકારી ગાડીમાં ભોપાલ જવા રવાના થયા હતા.

આજે સવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ ભોપાલમાં રાજભવન ખાતે એક સમારોહમાં આનંદીબહેન પટેલને રાજયપાલ પદે શપથ લેવડાવ્યા ત્યારે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર હતા. આ અગાઉ રાજયપાલ રામનરેશ યાદવનો કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીને સપ્ટેમ્બર ૨૦૧૬માં મધ્ય પ્રદેશના રાજયપાલનો વધારાનો કાર્યભાર સોંપાયો હતો.

આનંદીબહેને પટેલે ઉજ્જૈન સુધીની સફર બસમાં કરી ત્યારે ઝાંબુઆના પીટોલ, ફુલમાલ ફાટા, મેઘનગર, થાંદલા અને પેટલાવદમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકાળ મંદિરમાં પંડિત સંજય પૂજારીના આચાર્યપદે તેમણે ગર્ભગૃહમાં ભગવાન મહાકાળના પંચામૃત અભિષેક સાથે પૂજા અર્ચના કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે નંદિજીના કાનમાં કંઈક કહ્યું હતું. નંદિ હોલમાં મંદિર પ્રબંધ સમિતિએ મહાકાળની પ્રસાદી અને પુસ્તક ભેટ આપીને તેમનું સન્માન કર્યું હતું.

(4:34 pm IST)