Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

'પદ્માવત' રાજકીય મુદ્દો બનશે ? વટહૂકમ માટે અવાજ ઉઠે તો ભાજપ ભીંસમાં

સમાજની લાગણી સીધી વોટ બેંક પર અસર કરી શકેઃ ફિલ્મ રજુ થાય તો કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં આકરી કસોટી

રાજકોટ, તા. ૨૩ :. દેશમાં રજૂ થયા પહેલા જ ચર્ચાના ચકડોળે ચડેલ પદ્માવત ફિલ્મના ભવિષ્ય સામે પ્રશ્નોની હારમાળા સર્જાઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ભાજપ શાસિત રાજ્ય સરકારોએ ભૂમિકા કરતા હવે પદ્માવત ફિલ્મ રાજકીય મુદ્દો બની જાય તો નવાઈ નહિં. દેશની સર્વોચ્ચ અદાલતે ફિલ્મ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે તેમજ આજે તેની સામેની અરજી પણ કાઢી નાખી છે. દેશભરમાં તા. ૨૫મીએ ફિલ્મ રજૂ કરવાનો માર્ગ કાયદાકીય રીતે ખુલ્લો થઈ ગયો છે. જો કે પદ્માવતીના પાત્ર દ્વારા સંબંધીત સમાજની લાગણી દુભાતી હોવાની વાત જોરશોરથી સામે આવતા ફિલ્મ રજૂ કરવા સામે અવાજ ઉઠયો છે. સર્વોચ્ચ અદાલતના હુકમ સામે સરકારે વટહુકમ બહાર પાડવો જોઈએ તેવો અવાજ ઉઠયો છે. જો આ અવાજ બુલંદ બને તો ભાજપ વધુ ભીડાશે.

પદ્માવત ફિલ્મ વિશે બેમત પ્રવર્તે છે. સમાજના કેટલાક વર્ગોએ તેને સમાજનંુ અપમાન ગણાવી પ્રચંડ વિરોધ કર્યો છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા સરકારે ફિલ્મ રજૂ કરવા પર પ્રતિબંધ મુકેલ. જે સિનેમા માલિકો ફિલ્મ દર્શાવવા માગતા નથી તેને સરકારના પ્રધાનો આવકારી રહ્યા છે. જો પદ્માવતનો મુદ્દો રાજકીય સ્વરૂપ પકડે તો નુકશાનીનો હિસાબ ભાજપે જ માંડવો પડે તેમ છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી માથે આવી રહી છે. ભૂતકાળમાં અન્ય કેટલાક આંદોલનો સરકાર માટે માથાના દુઃખાવારૂપ બની ગયેલ અને હજુ બની રહ્યા છે તેવુ કોઈ આંદોલન આ મુદ્દે જાગે નહિ તે માટે સરકારે સજાગ રહેવુ પડશે તેમ સમીક્ષકોનું માનવુ છે. વોટ બેંક પરની સંભવિત અસરે રાજકીય મોભીઓને વિચારતા કરી મુકયા છે.

એક તરફ તા. ૨૫મીએ ફિલ્મ રજૂ કરવાનુ એલાન અને બીજી તરફ વ્યાપક વિરોધને લઈને સરકાર દ્વારા લોકો તથા સિનેમાના રક્ષણની કામગીરી માટે મોટી વ્યવસ્થા કરવી પડશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરકાર માટે મોટો પડકાર બની રહેશે. અત્યારે અમુક સમાજનો વિરોધ દેખાય રહ્યો છે પરંતુ ભવિષ્યમાં ભાજપની સહયોગી સંસ્થાઓ જ આ મુદ્દાને હિન્દુત્વનો મુદ્દો બનાવી દયે અને રાજકીય વિરોધીઓ રાજકીય મુદ્દો બનાવી દયે તો નવાઈ નહિં.

(3:43 pm IST)