Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સુપ્રીમ કોર્ટે પદ્માવત પર પ્રતિબંધની રાજ્યોની માંગ ફગાવીઃ ૨૫મીએ જ રિલિઝ થશે

પદ્માવત સામેની અંતિમ કાનુની અડચણ પણ દુરઃ પદ્માવત વિરૂધ્ધની રાજસ્થાન - મ.પ્રદેશની અરજી ફગાવી

નવી દિલ્હી તા. ૨૩ : ફિલ્મ પદ્માવતની ટીમ માટે આજનો દિવસ વધુ એક રાહતના સમાચાર લઇને આવ્યો. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન - મધ્યપ્રદેશ સરકારની ફિલ્મ પર રોક લગાવા માટે દાખલ કરેલી પુનર્વિચાર અરજીને ફગાવીને પોતાના આદેશમાં કોઇ ફેરફાર કર્યો નથી.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમ્માન કરવું જોઇએ અને તેનું પાલન કરાવું રાજ્ય સરકારની જવાબદારી છે. રાજસ્થાન સરકારનો પક્ષ રાખીને એડિશ્નલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે કોર્ટને ફિલ્મ પર રોક લગાવા માટે નહિ પરંતુ આદેશમાં કેટલાક ફેરફારો અંગે મંજૂરી આપવાની માંગ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અગુવાઇવાળી ત્રણ જજોની બેંચે કહ્યું, લોકોએ સમજવું પડશે કે આ એક કાયદાકીય સંસ્થા છે અને કોર્ટે આ અંગે પોતાનો આદેશ આપી દિધો છે.

સુપ્રીમ કોર્ટમાં અપીલ પર સુનવણી કરતા આકરા નિવેદનોની ટીપ્પણીઓ કરવામાં આવી. ત્રણ જજોની બેંચે કહ્યું કે રાજયોએ પોતે વગર કારણની સમસ્યા ઉભી કરી છે અને તેના માટે તેઓ ખુદજ જવાબદાર છે. રાજય સરકારોની જવાબદારી છે કે પોતાના રાજયની કાયદા વ્યવસ્થાને જાળવીને રાખે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજય સરકારોને એવી પણ સલાહ આપી કે જે લોકોને આ ફિર્મથી તકલીફ હોય તે લોકો આ ફિલ્મ જોવા ના જાય તેવી સલાહ પોતાના રાજયનાં નાગરીકોને આપી દેવી.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે, બંને રાજ્ય સરકારોએ ફિલ્મ પદ્માવતના પ્રદર્શનની સંમતિ આપવાના તેના ૧૮ જાન્યુઆરીના આદેશને પાછા ખેંભવાની માંગ કરવામાં આવી હતી. બંને રાજ્ય સરકારોએ આ આધાર પર સુપ્રીમ કોર્ટને પોતાના આદેશને પાછો ખેંચવાની માંગ કરી હતી. તેનાથી આ રાજ્યોમાં કાયદાકીય વ્યવસ્થાની સમસ્યા થશે. સુપ્રીમે ફિલ્મના પ્રદર્શન પર ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો દ્વારા લગાવેલા પ્રતિબંધને ૧૮ જાન્યુઆરીએ હટાવીને ૨૫ જાન્યુઆરીના રોજ દેશભરમાં તેને પ્રદર્શિત કરવાનો રસ્તો સાફ કરી દીધો હતો.

બે સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા પણ ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ કરણી સેનાનું કહેવું છે કે, જો સિનેમાઘરોમાં ફિલ્મ પ્રદર્શિત થશે તો બધાએ ભોગવવું પડશે.

(2:46 pm IST)