Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શિવસેનાની મોટી જાહેરાત ૨૦૧૯માં NDA સાથે નહીં કરે ગઠબંધન

NDA ગઠબંધનમાં તિરાડઃ એકલા હાથે ચૂંટણી લડવા એલાન

મુંબઇ તા. ૨૩ : ભાજપના નેતૃત્વ વાળા NDAના ગઠબંધનને એક મોટો ઝાટકો લાગ્યો છે. NDAના ગઠબંધનની સૌથી જુની સહયોગી પાર્ટી શિવસેનાએ મંગળવારના રોજ ૨૦૧૯માં લોકસભા અને વિધાનસભા ઈલેકશન અલગ અલગ લડવાની જાહેરાત કરી છે. ભાજપ અને શિવસેના વચ્ચે બે દશકથી વધારે જૂની મિત્રતા છે.

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેના અને ભાજપમાં રાજય અને કેન્દ્ર સ્તરે લાંબા સમયથી તાણ ચાલી રહ્યો હતો. શિવસેના ચીફ ઉદ્ઘવ ઠાકરેએ થોડાક દિવસો પહેલા જ ધમકી આપી હતી કે, જો જરુર પડશે તો પાર્ટી NDAથી અલગ પણ થઈ જશે.

પાર્ટી નેતા સંજય રાઉતે કહ્યું કે તેમની પાર્ટી ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ લડશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં વિધાનસભાની ચુંટણીમાં સીટોની વહેંચણી બાબતે વિવાદ થતા ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. તે ઈલેકશનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને જીતી હતી અને ઈલેકશન પછી શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.

થોડાક સમયથી મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના અને ભાજપ વચ્ચે તકરાર ચાલી રહી હતી. બન્ને પાર્ટીના નેતા અલગ અલગ મુદ્દાઓ પર એકબીજા વિરુદ્ઘ નિવેદનો આપી રહ્યા હતા.

(2:43 pm IST)