Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સામાન્ય બજેટ ર૩ લાખ કરોડનું હશેઃ કૃષિ-ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય

કેન્દ્રીય પ્રાયોજીત યોજનાઓમાં ૧૦ ટકાનો વધારો થશેઃ ફાળવણી પ લાખ કરોડથી વધુ કરવામાં આવશેઃ સરકાર દિલ ખોલીને ખર્ચ કરવાની તૈયારીમાં: ભુમિહીન ખેડુતોને પણ મળી શકશે બેંકો તરફથી લોનઃ બજેટમાં યોજના જાહેર થશેઃ નવા વર્ષે કૃષિ ઋણની જોગવાઇ ૧૧ લાખ કરોડ રખાશે

નવી દિલ્હી તા.ર૩ : જીએસટી સંગ્રહમાં ઘટાડો થતા સરકાર સમક્ષ ભલે રાજકોષીય સંતુલન સાધવાનો પડકાર હોય પરંતુ સામાન્ય બજેટમાં સરકાર દિલ ખોલીને ખર્ચ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય પ્રાયોજીત યોજનાઓની ફાળવણીમાં મોટો વધારો થઇ શકે છે અને સામાન્ય બજેટ ર૦૧૮-૧૯નો આકાર વધીને ર૩ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ શકે છે.

ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ર૧,૪૬,૭૩પ કરોડ રૂપિયાનુ બજેટ રજુ કર્યુ હતુ. સુત્રોનુ કહેવુ છે કે આમા લગભગ ૧૦ ટકાનો વધારો થઇ શકે છે અને આવતા વર્ષનું બજેટ ર૩ લાખ કરોડ થશે.

ખાસ વાત એ છે કે કેન્દ્રીય પ્રાયોજીત યોજનાઓ અને સેન્ટ્રલ સેકટર સ્કીમની ફાળવણીમાં પણ સરેરાશ ૧૦ થી ૧પ ટકાનો વધારો થઇ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાઓ માટે ૪.પ૮ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હવે એ વધારીને પ લાખ કરોડ કરાશે.

સુત્રોનુ કહેવુ છે કે, મોદી સરકારના કાર્યકાળનું આ અંતિમ પુર્ણ બજેટ હશે. એવામાં સરકાર લોક કલ્યાણ કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં જરાપણ સંકોચ નહી રાખે. જે ક્ષેત્રોમાં ફાળવણીમાં વધારો થશે તેમાં કૃષિની સાથે ગ્રામીણ વિકાસ મુખ્ય હશે. આ સિવાય રોજગાર આપતા ક્ષેત્રો અને યોજનાઓના બજેટમાં પણ ખાસ્સો વધારો થશે.

બજેટમાં ભુમિહીન ખેડુતોને પણ બેંકો તરફથી લોન મળે તેવી જોગવાઇ કરવામાં આવશે. આ માટે જરૂરી પગલા લેવામાં આવશે. આવા ખેડુતોને હાલ ખેતી માટે શાહુકારો ઉપર નિર્ભર રહેવુ પડે છે. ખેડુતો માટે સૌથી મોટી મુશ્કેલી કૃષિ ઋણની હોય છે. સરકાર હવે તેઓને સરળતાથી લોન મળે તે માટે પ્રયાસ કરશે. જે ભુમિહીન ખેડુત છે, જેમની પાસે ખુદની જમીન નથી પરંતુ ભાડા પટ્ટે ખેતી કરે છે તેવા લોકોના હિતમાં સરકાર નિર્ણય કરે છે.

આવતા વર્ષે સરકાર કૃષિ ઋણ માટે ૧૧ લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરે તેવી શકયતા છે. ચાલુ વર્ષે આ જોગવાઇ ૧૦ લાખ કરોડની હતી. પહેલા છ માસમાં ૬.રપ લાખ કરોડની લોન ખેડુતોને આપવામાં આવી હતી.

દરમિયાન એસબીઆઇ રિસર્ચે એવી ભલામણ કરી છે કે આયકર મુકિત મર્યાદા ૩ લાખ કરવી જોઇએ. જો આ સીમા વધે તો ૭પ લાખ લોકોને ફાયદો થાય. (૩-૩)

(10:41 am IST)