Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

યોગી સાથે મુલાકાત બાદ

કરણી સેનાએ 'પદ્માવત' જોવાની બતાવી તૈયારી

લખનૌ તા. ૨૩ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત સામે કરણી સેનાએ મોરચો ખોલ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરણી સેના અલગ-અલગ પ્રદેશની સરકારો સાથે મુલાકાત કરી ફિલ્મ પર બેન લગાવવાની અપીલ કરી રહી છે. આ સંદર્ભે સોમવરે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવીએ લખનૌમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. તે પછી મીડિયા સાથે વાતચીતમાં કાલવીએ કહ્યું કે, ભણસાલીએ ફિલ્મ જોવા તેમને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, તે પદ્માવત જોવા માટે તૈયાર છે, પરંતુ ભણસાલીએ હજુ સુધી ફિલ્મ બતાવવાની તારીખ નથી જણાવી.ઙ્ગ

મીડિયા સાથે વાતચીતમાં કાલવીએ કહ્યું કે, 'પદ્માવતને લઈને યુપી પણ બધા રાજયોની જેમ ચિંતિત છે. જયારે પદ્માવતી નામથી આ ફિલ્મ સામે આવી અને વિરોધ શરૂ થયો તો યોગીજીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો. હવે અમે પદ્માવતી નહીં, પદ્માવતનો વિરોધ કરી રહ્યા છીએ. તેને રોકવા માટે અંતિમ હથોડો ચાલવો જોઈએ. હવે તે સીએમ યોગી જ બતાવશે કે તે આ ફિલ્મને લઈને કેવા પગલાં ઉઠાવશે. અમારું કામ અપીલ કરવાનું હતું.'ઙ્ગ

પદ્માવત બતાવવા માટે ભણસાલીના પત્ર પર પ્રતિક્રિયા આપતા કાલવીએ કહ્યું કે, 'હા, તેમની તરફથી પત્ર આવ્યો છે. પણ, તે એક દગો છે. તમાશો બનાવવા માટે. ફિલ્મ જોવા માટે બોલાવ્યા છે, પણ તારીખ નથી જણાવી. હું તો ફિલ્મ જોવા માટે પણ તૈયાર છું. હું ઈચ્છું છું કે મીડિયા પણ સાથે ચાલે. પરંતુ ભણસાલીને અપીલ છે કે તે મજાક ન બનાવે. એ પહેલા તેઓ મીડિયાને બોલાવી ફિલ્મ નહીં બતાવે. આ વખતે એવું ન થવું જોઈએ. તે તારીખ જણાવે, હું ફિલ્મ જોઈશ.'

લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચેતવણીના સૂરમાં કાલવીએ કહ્યું કે, 'અમે ઓછું બોલીએ છીએ, વધુ કરીએ છીએ, અમારો સંકલ્પ છે કે દેશભરમાં ફિલ્મ નહીં લાગવા દઈએ.' સાથે જ કરણી સેનાના અધ્યક્ષે કહ્યું કે, તેમણે ફિલ્મ જોનારી કમિટીને પદ્માવત પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. એટલે, સેન્સર બોર્ડે લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત સમગ્ર દેશમાં ૨૫જ્રાક જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાર રાજયોના પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટનો આદેશ પણ આવી ચૂકયો છે. તેમ છતાં આ ફિલ્મ સામે વિરોધ રોકાવાનું નામ લેતો નથી. ઘણી જગ્યાએ કરણી સેના હિંસક પ્રદર્શન કરી રહી છે.

કરણી સેનાએ જાહેરાત કરી છે કે, તે ફિલ્મ રિલીઝ નહીં થવા દે. બીજી તરફ, વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પણ આ ફિલ્મને પ્રદર્શિત નહીં થવા દેવાની ચેતવણી આપી છે. તોગડિયાએ કહ્યું કે, વીએચપી તેની સામે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે. તોગડિયાએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ જલ્લીકટ્ટુની જેમ વટહુકમ લાવવાની માગ કરી છે.

(10:13 am IST)