Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દેશનાં ૧૦ કરોડ લોકોને મળે છે ઝેરી પાણી

પાણીમાં વધુ પડતુ ફલોરાઇડ ખનિજ હોય છેઃ અનેક રોગો થઇ શકે છે

નવી દિલ્હી તા. ૨૨ : ગઇકાલે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ભારતમાં દસ કરોડથી વધુ લોકોને વધુ પડતું ફલોરાઇડ ખનિજ ધરાવતું પાણી મળે છે. ડ્રીન્કીંગ વોટર એન્ડ સેનિટેશન ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરના કહેવા મુજબ ભારતનાં વિવિધ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમાં આવેલા ૧૨,૫૭૭ વિસ્તારોમાં રહેતા ૧૦.૦૬ કરોડ લોકોને પીવાનું જે પાણી મળે છે એમાં વધુ પડતું ફલોરાઇડ હોય છે. આ સમસ્યાના નિવારણ માટે કમ્યુનિટી વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ્સ બનાવવા કેન્દ્ર સરકારે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

વધુ આર્સેનિક ખનિજ ધરાવતા ૧૩૨૭ અને અતિશય ફલોરાઇડ ધરાવતા ૧૨,૦૧૪ વિસ્તારોમાં પીવા અને રાંધવાનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે સરકારે ૨૦૧૬નાં માર્ચમાં ૮૦૦ કરોડ રૂપિયા ફાળવેલા. ફલોરાઇડ અને આર્સેનિકની ગંભીર સમસ્યાથી ઝૂઝતાં બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનને ૧૦૦ કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવવામાં આવ્યું હતું.

ફલોરાઇડ એવું ખનિજ છે જે વધુ માત્રામાં લેવાય તો શરીર માટે ઝેરી સાબિત થઇ શકે છે. એનાથી હાડકા, મગજ, થાઇરોઇડ, પીનિયલ ગ્રંથી અને શરીરના મુખ્ય ટિશ્યુને ડેમેજ થઇ શકે છે. આર્સેનિક અત્યંત ઝેરી અને ન્યુરોટોકિસન ખનિજ છે જે બુધ્ધિઆંક ઘટાડવા ઉપરાંત કેન્સરજન્ય પણ મનાય છે.(૨૧.૧૬)

(11:21 am IST)