Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ભાજપે હવે જાગવુ પડશેઃ ગ્રામિણ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવુ પડશે

શેરબજારનો ગ્રાફ ઉંચે ચડે છે જયારે ખેડુત અને ગામડાઓના વિકાસનો ગ્રાફ નીચે જઇ રહ્યો છેઃ ભાજપે ગ્રામીણ અર્થતંત્રને દોડતુ કરવુ પડશેઃ ખેડુતો અને ગામડાની તકદીર બદલવા ભાજપે ધડાધડ પગલા લેવા પડશે નહીતર ર૦૧૮ની કેટલાક રાજયોની ચૂંટણી તથા ર૦૧૯ની ચૂંટણીમાં ગામડાઓની નારાજગીનો સામનો કરવો પડશે

નવી દિલ્હી તા.રર : થોડા દિવસો પહેલા ગુજરાતની ચૂંટણીના પરિણામો આવ્યા એ સત્તારૂઢ ભાજપ માટે લાલબત્તી સમાન એટલા માટે છે કે તેની વિરૂધ્ધ ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર નારાજગી સામે આવી છે. ગ્રામીણ વિસ્તારની ૧૦૯ બેઠકોમાંથી તેને માત્ર ૪૩માં વિજય મળ્યો છે જયારે શહેરી વિસ્તારો પર તેની જીતનો સ્ટ્રાઇક રેટ ૭પ ટકાને પાર કરી ગયો છે જેને કારણે તે કોઇપણ રીતે ૯૯નો આંકડો સ્પર્શ કરી શકી છે. સામાન્ય બહુમત ૯રથી માત્ર ૭ બેઠકો વધુ મેળવનાર ભાજપ માટે બે શહેરો અમદાવાદ અને સુરત તે લગભગ એક તરફા પરિણામ ન આપ્યા હોત તો સ્થિતિ કંઇક અલગ જ હોત. અમદાવાદની ર૧ બેઠકોમાંથી ભાજપને ૧પ તો સુરતની ૧૬માંથી ભાજપને ૧પ બેઠકો મળી છે.

આ માત્ર ગુજરાતની જ વાત નથી. ગયા મહિને જ યુપીમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાય હતી અને તેમાં પણ આવી જ તસ્વીર જોવા મળી હતી જે મહાનગરો હતા તેમાં ભાજપનો એક તરફી વિજય રહ્યો. ૧૬ મહાનગરોમાંથી ૧૪ મહાનગરોમાં ભાજપના મેયર જીતી ગયા પરંતુ નગરપાલિકા પરિષદ અને નગર પંચાયતમાં ભાજપ ૮ મહિના પહેલા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાને દોહરાવી શકી નથી. તેની મતોની ટકાવારી અચાનક ઘટી ગઇ. ૧૯૮ નગરપાલિકા પરિષદોમાંથી ભાજપને માત્ર ૭૦ અને ૪૩૮ નગર પંચાયતોમાંથી ૧૦૦ ઉપર સફળતા મળી હતી. ભાજપ બચાવમાં સ્પષ્ટતા કરે છે કે તેની આ સફળતા ર૦૧રના મુકાબલે ઘણી વધારે છે પરંતુ સવાલ એ છે કે ર૦૧રમાં વિધાનસભામાં માત્ર ૪૭ ધારાસભ્યો જીત્યા હતા.

ર૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૩રપ બેઠકો મેળવી નવો ઇતિહાસ રચ્યો હતો. આ હિસાબથી નગરપાલિકા પરિષદો અને નગર પંચાયતો ઉપર તેનો દેખાવ અનેકગણો સારો થવાની આશા હતી. આ સપ્તાહે રાજસ્થાનની પંચાયતની ૩૧ બેઠકોની પેટા ચૂંટણી થઇ અને ભાજપને ત્યાં સહન કરવુ પડયુ છે અને ભાજપ માત્ર ૧૧ બેઠકો જ મળી, જયારે કોંગ્રેસને ર૦ બેઠકો મળી હતી. આ જ દ્રશ્ય છે જેનાથી ભાજપ પરેશાન છે.

હવે ભાજપે ગામડાઓ તરફ ધ્યાન દેવાની જરૂર છે. ભાજપે બજેટમાં ગ્રામીણ અર્થતંત્ર માટે કંઇક કરવુ પડશે. ભાજપ શાસિત રાજયોની સરકારોના એજન્ડામાં હવે ગામડાઓ ઉપરના ક્રમે આવ્યા છે. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં પાટીદારો ભાજપને નડી ગયા. અમીર પાટીદારો ભાજપ સાથે રહ્યા જયારે ગ્રામીણ પૃષ્ઠ ભુમીવાળા નાના અને મધ્યમવર્ગના ખેડુતો કોંગ્રેસ સાથે રહ્યા હતા. ગુજરાત જ નહી અન્ય રાજયોમાં પણ આવી સ્થિતિ છે. શેરબજારમાં સેન્સેકસ ઉપર જાય છે પરંતુ આનાથી ઉલ્ટુ ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થાનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે. શેરબજારમાં માત્ર ૪ કરોડ લોકો જ ટ્રેડીંગ કરે છે. જયારે ગ્રામીણ ભારતમાં દેશની કુલ વસ્તીના ૭૦ ટકા લોકો રહે છે. એવામાં શેરબજારને દેશની ઇકોનોમીનો અરીસો કહી ન શકાય. દેશની ઇકોનોમીની સાચી તસ્વીર ગ્રામીણ ભારત છે જયાં ૬૦ થી ૬પ ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. મોદી સરકારે વચન આપ્યુ છે કે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરી દેવાશે. નીતિ આયોગના રિપોર્ટમાં પણ જણાવાયુ છે કે, લોકોની હાલતમાં સુધારો થયો નથી. કૃષિ સેકટરનો ગ્રોથરેટ ઘટી રહ્યો છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિ વ્યકિત આવકમાં પહેલા જ ઘણુ અંતર હતુ તે હવે વધી ગયુ છે.

અર્થશાસ્ત્રી ડો.સારથી આચાર્યના કહેવા મુજબ એફડીઆઇ વધવા, બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં આવવા, વિદેશી મુદ્રાનો ફલો વધવાથી જીડીપીના આંકડા સારા થશે પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહી પડે. જયારે કૃષિ સેકટરનો ગ્રોથ વધશે તો ગ્રામીણ અર્થતંત્ર દોડશે.

ર૦૧૯ની ચૂંટણી પહેલા ર૦૧૮માં આઠ રાજયોમાં ચૂંટણી થવાની છે પહેલા કર્ણાટક, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં ચૂંટણી થવાની છે તે પછી ઓકટોબર-નવેમ્બરમાં મ.પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજયોમાં ચૂંટણી યોજાશે. જયાં ભાજપની સરકાર છે. આ રાજયોમાં શહેરી બેઠકો એટલી નથી જેટલી ગુજરાતમાં છે. મ.પ્રદેશ અને રાજસ્થાનમાં ખેડુતોમાં ભારે નારાજગી છે.(૩-પ)

(11:21 am IST)