Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

FIFA વર્લ્ડકપમાં મોટો અપસેટ સર્જાયો સાઉદી અરબે મેસ્સીની ટીમ આર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું

 આર્જેન્ટીના તરફથી એકમાત્ર ગોલ લિયોનેલ મેસ્સીએ ફટકાર્યો :સાઉદી અરબ માટે સાલેહ અલશેહરી અને સલેમ અલ-દાવસારીએ ગોલ કર્યા

ફીફા વર્લ્ડકપ 2022નો પ્રથમ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીની મેચમાં સાઉદી અરબે આર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું હતું. ફૂટબોલ જગતના ઇતિહાસમાં સાઉદી અરબની આર્જેન્ટીના પર આ પ્રથમ જીત છે. આ પહેલા બન્ને ટીમ વચ્ચે કુલ ચાર મેચ રમાઇ છે જેમાં આર્જેન્ટીનાએ બે મેચ જીતી હતી જ્યારે બે મેચ ડ્રૉ થઇ હતી.

આર્જેન્ટીના તરફથી મેચમાં એકમાત્ર ગોલ લિયોનેલ મેસ્સીએ ફટકાર્યો હતો. બીજી તરફ સાઉદી અરબ માટે સાલેહ અલશેહરી અને સલેમ અલ-દાવસારીએ ગોલ ફટકાર્યા હતા. આર્જેન્ટીના ફીફા રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. બીજી તરફ સાઉદી અરબની ટીમ 51માં નંબર પર છે. એવામાં આ એક મોટો ઉલટફેર માનવામાં આવશે.

મુકાબલાનો પ્રથમ ગોલ 10મી મિનિટમાં જ થઇ ગયો હતો. આ ગોલ કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પેનલ્ટી દ્વારા કર્યો હતો. સાઉદી અરબના ખેલાડી અબ્દુલ્લાહમિદે આર્જેન્ટીની પ્લેયરને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે તે સાઉદી અરબના બૉક્સમાં પડી ગયો હતો, પછી રેફરીએ વીએઆર ચેક દ્વારા આર્જેન્ટીનાને પેનલ્ટી આપી હતી. મેસ્સીએ પેનલ્ટીને કન્વર્ટ કરવામાં કોઇ ભૂલ કરી નહતી.

  બીજા હાફમાં સાઉદી અરબે વાપસી કરી હતી. 48મી મિનિટમાં સાઉદીએ મેચનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો. સાઉદી અરબ માટે સાલેહ અલશેહરીએ ગોલ ફટકાર્યો હતો. મેચની 54મી મિનિટમાં સલેમ અલ-દાવસારીએ ગોલ ફટકારીને ટીમને 2-1થી આગળ કરી દીધી હતી.

(11:41 pm IST)