Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પૃથ્વી પર પાપનો ઘડો ભરાઇ જાય છે ત્યારે ઉપરવાળો પોતાની ઝાડુ ચલાવે છે: ગુજરાતમાં આપ ની બનશે સરકાર : કેજરીવાલ

 ખંભાળિયામાં ઇસુદાન ગઢવી માટે પ્રચાર કરતા કેજરીવાલે કહ્યુ--હું હાથ જોડુ છુ, આંખો બંધ કરૂ છુ તો લાગે છે કે કોઇ દૈવીશક્તિ છે જે આ સંચાલન કરી રહી છે. શ્રીકૃષ્ણનો આશીર્વાદ છે, દૈવીનો આશીર્વાદ છે

દ્વારકાના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભા સંબોધી હતી. કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે ભાજપને અહંકારી પાર્ટી ગણાવી હતી અને 8 તારીખે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોવાનો દાવો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે AAPના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયાથી જ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

ખંભાળિયામાં ઇસુદાન ગઢવી માટે પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “હું હાથ જોડુ છુ, આંખો બંધ કરૂ છુ તો લાગે છે કે કોઇ દૈવીશક્તિ છે જે આ સંચાલન કરી રહી છે. શ્રીકૃષ્ણનો આશીર્વાદ છે, દૈવીનો આશીર્વાદ છે. આ જબરદસ્ત માહોલ કેવી રીતે થઇ શકે છે. ગીતામાં પણ લખ્યુ છે જ્યારે પૃથ્વી પર પાપનો ઘડો ભરાઇ જાય છે ત્યારે ઉપરવાળો પોતાની ઝાડુ ચલાવે છે. ઉપરવાળાએ ઝાડુ ચલાવવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટી જઇ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે અને તમારો દીકરો ઇસુદાન ગુજરાતનો મુખ્યમંત્રી બનવા જઇ રહ્યો છે. ખંભાળિયાના લોકોને હું સૌથી પહેલા શુભકામના પાઠવવા આવ્યો છું. 8 તારીખ પછી આખી દુનિયા તમને શુભેચ્છા પાઠવશે.”

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “તમે લોકોએ અમારી પર આટલો બધો વિશ્વાસ કર્યો, આટલો પ્રેમ કર્યો, આટલો સ્નેહ આપ્યો, હું પણ તમને એક વચન આપુ છુ, હું ગુજરાત આવુ છુ ત્યારે લોકો કહે છે કે કેજરીવાલ અમારો ભાઇ છે, વૃદ્ધ કહે છે કે કેજરીવાલ અમારો પુત્ર છે. હું વચન આપુ છું કે 8 તારીખે અમારી સરકાર બનશે ત્યારે તમારો ભાઇ બનીને, તમારા પરિવારની જવાબદારી કેજરીવાલ નીભાવશે, તમને કોઇ તકલીફ નહી પડવા દઇએ.”

(11:26 pm IST)