Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

હોસ્‍પિટલે ગર્ભવતી મહિલાને એડમિટ કરવાની ના પાડીઃ રસ્‍તા પર આપ્‍યો બાળકને જન્‍મ

અમરાવતી, તા.૨૨: આંધ્ર પ્રદેશના તિરુપતિથી એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં હોસ્‍પિટલે ગર્ભવતી મહિલાને દાખલ ન કરતા તેમણે રસ્‍તા પર જ બાળકને જન્‍મ આપવો પડ્‍યો. ઘટના તિરુપતિ મેટરનિટી હોસ્‍પિટલની છે.

હોસ્‍પિટલની બહાર જ મહિલાને પ્રસવ પીડા થવા લાગી તો અજાણ્‍યા લોકો મદદ માટે આગળ આવ્‍યા. તેમણે મહિલાની ડિલીવરી કરાવી. દરમિયાન ત્‍યાં હાજર કોઈ શખ્‍સે આનો વીડિયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો. વીડિયો અનુસાર અમુક મહિલાઓ ગર્ભવતી મહિલાને કવર કરવા માટે બેડશીટ પકડેલી છે.

મહિલાને કથિત રીતે હોસ્‍પિટલના કર્મચારીઓએ કહ્યુ હતુ કે તેઓ તેમને દાખલ કરી શકશે નહીં કેમ કે તેમની સાથે કોઈ નહોતુ. જે વ્‍યક્‍તિએ મહિલાની બાળકને જન્‍મ આપવામાં મદદ કરી તે એક પ્રાથમિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રમાં કામ કરે છે.

મહિલા અને બાળકને બાદમાં હોસ્‍પિટલમાં લઈ જવાયા અને હવે એ આશ્વાસન અપાયુ છે કે પરિજનો વિના પણ કોઈ ગર્ભવતી મહિલાને દાખલ કરવાની ના પાડવી જોઈએ નહીં. વીડિયો વાયરલ થયા બાદ તિરુપતિ જિલ્લા સ્‍વાસ્‍થ્‍ય ઈન્‍ચાર્જે કહ્યુ કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે.

(3:59 pm IST)