Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

માલિશ કરનાર ફિઝિયો નહી પણ દુષ્‍કર્મનો આરોપી

તિહાર જેલના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જેલમાં બંધ દિલ્‍હીના મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનની માલિશ કરનાર રિંકુ એક કેદી છે અને દુષ્‍કર્મનો આરોપી છે : સત્‍યેન્‍દ્ર જૈનની માલિશમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્‍હી, તા.૨૨: મની લોન્‍ડરિંગ કેસમાં દિલ્‍હીની તિહાર જેલમાં બંધ મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનને ફિઝિયોથેરાપી આપવાના મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જેલમાં બંધ દિલ્‍હીના મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનની માલિશ કરનાર રિંકુ એક કેદી છે અને દુષ્‍કર્મનો આરોપી છે. અગાઉ એવો દાવો કરવામાં આવ્‍યો હતો કે તે ફિઝિયોથેરાપિસ્‍ટ છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે જેલમાં સત્‍યેન્‍દ્ર જૈનને ફિઝિયોથેરાપી આપવામાં આવી રહી છે. આવી સ્‍થિતિમાં, આ ઘટસ્‍ફોટ પછી, ૨૦૨૨ની મહાનગરપાલિકા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને દિલ્‍હીનું રાજકારણ ફરી ગરમ થવાનું છે.

તેની સાથે જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે રિંકુ બળાત્‍કારના કેસમાં આરોપી છે અને તે જેલમાં જ કેદી છે. આ કેદી પર POCSO એક્‍ટની કલમ ૬ અને IPCની કલમ ૩૭૬, ૫૦૬ અને ૫૦૯નો આરોપ મૂકવામાં આવ્‍યો છે. પહેલા તેને ફિઝિયોથેરાપિસ્‍ટ કહેવામાં આવતું હતું.

૧૯ નવેમ્‍બરના રોજ દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટે ન્‍યાયિક કસ્‍ટડી હેઠળ તિહાર જેલમાં બંધ દિલ્‍હીના કેબિનેટ મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનના મસાજનો વીડિયો વાયરલ થયા બાદ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટને નોટિસ પાઠવી હતી. જેમાં આગામી સુનાવણીમાં લીક થયેલા વિડીયો અંગે ED  પાસેથી જવાબ માંગવામાં આવ્‍યો છે.

નોંધપાત્ર વાત એ છે કે, સત્‍યેન્‍દ્ર જૈનની કાનૂની ટીમે વિશેષ ન્‍યાયાધીશ વિકાસ ધૂલની કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્‍યો છે કે એફિડેવિટ આપવા છતાં EDએ જેલની અંદર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ લીક કર્યા છે.

EDનો દાવો, સત્‍યેન્‍દ્ર જૈનને જેલમાં વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. ૯ નવેમ્‍બરે જામીન અરજીનો વિરોધ કરતા ED દ્વારા આરોપ લગાવવામાં આવ્‍યો હતો કે સત્‍યેન્‍દ્ર જૈનને તિહાર જેલમાં વિશેષ સુવિધાઓ મળી રહી છે. EDએ પોતાનો પક્ષ રાખતા એમ પણ કહ્યું હતું કે બહારના લોકો તેમને જેલની અંદર માલિશ કરી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્‍યો હતો કે સત્‍યેન્‍દ્ર જૈનને વિશેષ ભોજન આપવામાં આવી રહ્યું છે.

(3:30 pm IST)