Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સાંસદો - વિધાયકો વિરૂધ્‍ધ કેસની સંખ્‍યામાં સતત વધારો

યુપીમાં સૌથી વધુ કેસ : ન્‍યાયમીત્ર વરિષ્‍ઠ વકીલોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

નવી દિલ્‍હી તા. ૨૨ : સાંસદો અને ધારાસભ્‍યો સામે કેસોની સંખ્‍યા સતત વધી રહી છે. નવેમ્‍બર ૨૦૨૨ સુધીમાં, ઉત્તર પ્રદેશમાં સાંસદો અને ધારાસભ્‍યો વિરૂદ્ધ સૌથી વધુ ૧,૩૭૭ કેસ નોંધાયા છે. તે પછી બિહાર અને મહારાષ્ટ્ર અનુક્રમે ૫૪૬ અને ૪૮૨ કેસ સાથે આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં એમિકસ ક્‍યુરી વરિષ્ઠ વકીલ વિજય હંસરિયા અને એડવોકેટ સ્‍નેહા કલિતાએ આ માહિતી આપી હતી. માનનીય સામે પડતર કેસોની સંખ્‍યા ડિસેમ્‍બર ૨૦૧૮માં ૪,૧૨૨ હતી, જે ડિસેમ્‍બર ૨૦૨૧માં વધીને ૪,૯૭૪ અને નવેમ્‍બર ૨૦૨૨માં ૫,૦૯૭ થઈ ગઈ, એમ અહેવાલમાં જણાવાયું છે.

 જોકે, રાજસ્‍થાન, ઉત્તરાખંડ, જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખને આ પૂરક અહેવાલમાં સામેલ કરવામાં આવ્‍યા નથી. કુલ પડતર કેસોનો ડેટા ઉપલબ્‍ધ નથી. સુપ્રિમ કોર્ટમાં ઉપાધ્‍યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સીટીંગ અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્‍યો સામેના કેસોની ઝડપી સુનાવણી માટે સુનિતિ થયેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે કુલ પેન્‍ડિંગ કેસોમાંથી ૪૧ ટકા કેસ પાંચ વર્ષથી વધુ જૂના છે. આમ છતાં, આ કોર્ટ આ મામલાને લગતા એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્‍યાય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર ધ્‍યાન આપી રહી છે. સર્વોચ્‍ચ અદાલતે કાયદા ઘડનારાઓ સામે ટ્રાયલ ઝડપી કરવા માટે સમયાંતરે વિવિધ વચગાળાના આદેશો પસાર કર્યા છે.

અહેવાલ મુજબ, પાંચ વર્ષથી વધુ સમયથી પેન્‍ડિંગ કેસોની સૌથી વધુ સંખ્‍યા ઓડિશા રાજયમાં છે (૭૧%). તે પછી બિહાર (૬૯ ટકા) અને ઉત્તર પ્રદેશ (૫૨ ટકા) આવે છે. આમાં મેઘાલયના આંકડા સામેલ નથી, કારણ કે ત્‍યાં ચાર પેન્‍ડિંગ કેસ છે અને તમામ કેસ પાંચ વર્ષથી વધુ જૂના છે.

અગાઉ  ફાઈલ કરવામાં આવેલા તેમના ૧૭માં સ્‍ટેટસ રિપોર્ટમાં હંસરિયાએ કહ્યું હતું કે ED દ્વારા મની લોન્‍ડરિંગ માટે ૫૧ સાંસદો સામે કેસ કરવામાં આવ્‍યો છે, જયારે એટલી જ સંખ્‍યામાં સાંસદો CBI દ્વારા નોંધાયેલા કેસનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્‍યો છે કે ૭૧ ધારાસભ્‍યો-એમએલસી પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ (PMLA), ૨૦૦૨ હેઠળના ગુનાઓમાંથી ઉદ્‌ભવતા કેસોમાં આરોપી છે.

(11:38 am IST)