Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

૧૮૨ બેઠકો માટે ૧૬૨૧ ઉમેદવારો મેદાનમાં

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૭૮૮ તો બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે ૮૩૩ ઉમેદવારો વચ્‍ચે જામશે જંગ : સોથી વધુ ઉમેદવારો લિંબાયત બેઠક પર : ચૂંટણી જંગ પરિવર્તન સામે પુનરાવર્તનનો : ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર

નવી દિલ્‍હી, તા.૨૨: ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્ટ થઇ ગયું છે. ગઇકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જે બાદ રાજ્‍યની તમામ ૧૮૨ બેઠકો પર ઉમેદવારોને લઇને ચિત્ર સ્‍પષ્ટ થઇ ગયું છે. કોણ કોની સામે ચૂંટણી મેદાને છે અને કોણ-કોણ અપક્ષમાંથી લડી રહ્યું છે, તે તમામ બાબતો સ્‍પષ્ટ થઇ ગઇ છે. રાજ્‍યની ૧૮૨ બેઠક પર ૧૬૨૧ ઉમેદવારો વચ્‍ચે ખરાખરીનો જંગ જામશે. જ્‍યારે કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. અમુક બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ જામતો જોવા મળી રહ્યો છે. રાજ્‍યની ૧૮૨ બેઠક પર ૧૬૨૧ ઉમેદવારો ચૂંટણી મેદાને ઝંપલાવ્‍યા છે. -થમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૭૮૮ ઉમેદવારો મેદાને છે. જ્‍યારે બીજા તબક્કાની ૯૩ બેઠક પર ૮૩૩ ઉમેદવારો વચ્‍ચે જંગ જામશે. પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ ૪૪ મુરતિયા સામે આવ્‍યા છે, જ્‍યારે બીજા તબક્કામાં બાપુનગરમાં ૨૯ ઉમેદવારોએ ઝંપલાવ્‍યું છે. -થમ તબક્કાનું ૧ ડિસેમ્‍બર અને બીજા તબક્કાનું ૫ ડિસેમ્‍બરે મતદાન થવાનું છે. આગામી ૮ ડિસેમ્‍બરે પુનરાવર્તન કે પરિવર્તન તે નક્કી થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્‍યારે દરેક રાજકીય પાર્ટી ગુજરાતની ‘ગાદી' જીતવા પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ૨૧ નવેમ્‍બરે બીજા તબક્કાના ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં બીજા તબક્કામાં ૪૦૦થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્‍યા છે. જેથી બંને તબક્કાની ૧૮૨ બેઠકો માટે કુલ ૧૬૨૧ ઉમેદવારો હાલ મદાનમાં છે તેમ કહી શકાય. મહત્‍વનું છે કે, ૧ ડિસેમ્‍બરે પ્રથમ અને ૫ ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

વિધાનસભાના ચૂંટણી સંગ્રામમાં બરાબરની લડાઇ જામી છે. ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. એક તરફ ભાજપે પ્રચારમાં કેન્‍દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને AAPના ટોચના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

ચૂંટણીના રણમેદાનમાં એક તરફ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં ઉતર્યા છે. દક્ષિણ ગુજરાતના રણમેદાનમાં આદિવાસીઓની સમસ્‍યાઓને લઇને રાહુલ ગાંધી અને નરેન્‍દ્રભાઇ મોદી વચ્‍ચે વાકયુદ્ધ છેડાયું હતુ. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખુબ કામગીરી થઇ. જેની સામે રાહુલ ગાંધી કહ્યું કે, ભાજપની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્‍બરનાં રોજ મતદાન થશે. આ સાથે ૮ ડિસેમ્‍બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્‍બરે નોટિફિકેશન જાહેર થયુ હતું. જ્‍યારે, પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્‍બર સુધી ફોર્મ ભરાયા હતા. પ્રથમ તબક્કા માટે ૧૫ નવેમ્‍બર સુધી ચકાસવામાં આવ્‍યા હતા. ૧૭ નવેમ્‍બર સુધી ફોર્મ પરત ખેંચાયા હતા. બીજા તબક્કા માટે ૧૦ નવેમ્‍બરે નોટિફિકેશન જાહેર થયુ હતુ. જેમાં ૧૭ નવેમ્‍બર સુધી ફોર્મ ભરાયા હતા. જ્‍યારે ૧૮ નવેમ્‍બરે ફોર્મ ચકાસણી થઇ હતી અને ૨૧ તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાના દિવસ હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્‍યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્‍યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્‍યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્‍સજેન્‍ડર મતદારોનો પણ સમાવેશ છે.

(11:35 am IST)