Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કટાયેલા બોલ્‍ટ-કેબલ, ભીડ બની ૧૩૫ લોકોનાં મોતનું કારણઃ ૩૦ ઓક્‍ટોબરનાં ગોઝારા દિવસે ૩૧૬૫ ટિકિટ ઇસ્‍યુ થઇ હતી

મોરબી પુલના FSL રિપોર્ટમાં થયો ખુલાસોઃ બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઇ ગયા હતા : સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ ન્‍હોતી અપાઇઃ તેઓ લેબર કોન્‍ટ્રાકટર જ હતા

નવી દિલ્‍હી, તા.૨૨: મોરબી પુલ હોનારત બાદ પુલનો ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરી એક્‍ઝામિનેશન (FSL-એફઅસએલ રિપોર્ટ) સામે આવ્‍યો છે. જેમાં બ્રિટિશ સ્‍ટ્રક્‍ચર્ડ પુલનું રિનોવેશન ઘણી ખરાબ રીતે થયાનું ખુલ્‍યું છે. નોંધનીય છે કે, ૩૦ ઓક્‍ટોબરનાં રોજ મોરબી પુલ હોનારતે ૧૩૫ લોકોનાં જીવ લીધા હતા. અકસ્‍માતના ગુનામાં પકડાયેલા નવ પૈકીના આઠ આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન મોરબીની સ્‍થાનિક કોર્ટમાં એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્‍યો હતો.

આ કોર્ટની કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્‍યું હતુ કે, ઓરેવા ગ્રુપે બ્રિજનો જેને રખરખાવ અને સિકયુરિટીનો કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યો હતો તેમણે તે દિવસે એટલે ૩૦ ઓક્‍ટોબરનાં રોજ ૩૧૬૫ ટિકિટ ઇસ્‍યુ કરી હતી. જેમાં તેમણે કઇ રીતે આ બ્રિજ આટલા માણસોનું વજન ઉપાડશે તે પણ વિચાર્યું ન હતુ. બ્રિજની ટિકિટ આપવા માટે બે માણસો રાખવામાં આવ્‍યા હતા પરંતુ તે બંને વચ્‍ચે કોઇ તાલમેલ ન હતો. તેમને ખબર ન હતી કે બીજાએ કેટલી ટિકિટ ઇસ્‍યુ કરી છે. આટલી બધી ટિકિટ ઇસ્‍યુ કરવા અંગે પણ તેમની પાસે કોર્ટમાં કોઇ જવાબ ન હતો.

એફએસએલ રિપોર્ટનાં જણાવ્‍યા પ્રમાણે, બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઇ ગયા હતા. સોમવારે જ્‍યારે આઠ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઇ રહી હતી ત્‍યારે મોરબીના પ્રિન્‍સિપલ ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન જજ પી. સી. જોષી સામે આ પુરાવા રજૂ કરવામાં આવ્‍યા હતા.

આ આરોપીઓમાં ત્રણ સિકયુરિટી ગાર્ડ અલ્‍પેશ ગોહીલ, દિલીપ ગોહીલ અને મુકેશ ચૌહાણે જામીન માટે અરજી કરી હતી. આ કાર્યવાહીમાં જાણવા મળ્‍યું કે આ લોકોને કોઇ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. તેઓ માત્ર લેબર કોન્‍ટ્રાક્‍ટર જ હતા. તેમાં તે પણ જણાવવામાં આવ્‍યુ હતુ કે, તે દિવસે તેમને ભીડને કાબુમાં રાખવા માટેની જવાબદારી આપવામાં આવી હતી.

કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્‍યું કે, એક મેનેજરનું કામ હતુ કે તે સ્‍ટાફને જણાવે કે એકસાથે બ્રિજ પરથી ૧૦૦ લોકો જ જઇ શકે. આ લોકો બ્રિજ પરથી નીચે ઉતરે તે બાદ જ અન્‍ય લોકોને ત્‍યાં મોકલવામાં આવે. જોકે, આવું થયુ ન હતુ તેથી તેની પર કલમ ૩૦૪ લાગુ થશે.

ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્મેન્‍ટ વકીલે ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ કે, એફએસએફ રિપોર્ટ પ્રમાણે, બ્રિજનાં કેબલ પર કાટ લાગેલો હતો, એન્‍કર તૂટી ગયા હતા, જે દોરીને બ્રિજ સાથે બાંધી રાખે તે એન્‍કર પણ ઢીલા હતા. મ્‍યુનિસિપાલટીએ ઓરેવા ગ્રુપને બ્રિજનાં સમારકામ, કેબલ, બોલ્‍ટ, એન્‍કરનાં રખરખાવનું કામ આપ્‍યું હતુ. તેમણે એ પણ જણાવ્‍યુ કે, ઓરેવા ગ્રુપને આની સમારકામની જવાબદારી આપી હતી પરંતુ તેણે લાઇફગાર્ડ કે કોઇ બોટ કે કોઇ સ્‍વીમર કોઇની કાંઇ વ્‍યવસ્‍થા કરી ન હતી.

બંને છેડે ત્રણ ગાર્ડ હતા અને તેમની ફરજ હતી કે, બ્રિજ પર લોકોની સંખ્‍યા વધે તો દરવાજો બંધ કરી દે. જોકે, તેઓએ આમ કરવાની દરકાર કરી ન હતી. એક ગાર્ડ, જે વ્‍યવસ્‍થા જાળવવા પુલની વચ્‍ચે હતો, તે નદીમાં પડ્‍યો પણ બચી ગયો.

ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે, તેણે ન તો લોકોને પુલ હલાવવા જેવા બેફામ વર્તનથી રોકયા કે ન તો તેના ઉપરી અધિકારી કે પોલીસને આ અંગેની માહિતી આપી. જાનીએ ઉમેર્યું, ‘અમને ઓરેવા ગ્રૂપ તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે.'

(11:36 am IST)