Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કોંગ્રેસમાં ગાંધી પરિવાર જ સર્વોપરી : અધ્‍યક્ષ બન્‍યા છતાંય હેડકવાર્ટરમાં ખડગેનો ફોટો નથી

ખડગે અધ્‍યક્ષ બન્‍યા તેને ૧ મહિનો પૂરો : પાર્ટીના મુખ્‍ય પદાધિકારીઓના રૂમમાં પણ તેમનો ફોટો લગાવવામાં આવ્‍યો નથી : જ્‍યારે સોનિયા કે રાહુલે કોંગ્રેસ અધ્‍યક્ષનું પદ સંભાળ્‍યું ત્‍યારે આવુ઼ બન્‍યું ન હતું

નવી દિલ્‍હી તા. ૨૨ : કોંગ્રેસને ૨૪ વર્ષ પછી મલ્લિકાર્જુન ખડગે બિન-ગાંધી અધ્‍યક્ષ મળ્‍યા છે. પદભાર સંભાળીને તરત જ ખડગે ચૂંટણીપ્રચારમાં લાગી ગયા હોવા છતાં, ૨૪ અકબર રોડ સ્‍થિત કોંગ્રેસ મુખ્‍યાલયમાં પરિવર્તનના એક મહિના પછી ગાંધી પરિવારનું વર્ચસ્‍વ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ મુખ્‍યાલયના સત્તાવાર હોર્ડિંગ બોર્ડમાંથી હજુ પણ ખડગેનો ફોટો ગાયબ છે. તેમનો ફોટો પાર્ટીના મુખ્‍ય પદાધિકારીઓના રૂમમાં હજુ સુધી લગાવવામાં આવ્‍યો નથી. જયારે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું અધ્‍યક્ષ પદ સંભાળ્‍યું અથવા જયારે રાહુલ ગાંધી મહાસચિવ બન્‍યા અને પછી પક્ષના વડા બન્‍યા ત્‍યારે આવું બન્‍યું ન હતું.

કોંગ્રેસના અધ્‍યક્ષ બન્‍યા પછી તરત જ ખડગેએ તેમના ઘરે મુલાકાતનો સમય આપીને નેતાઓ અને કાર્યકરોને મળવાનું શરૂ કર્યું. તેમણે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લીધો હતો. તેમણે સવારે ૧૧ થી ૧ વાગ્‍યાની વચ્‍ચે કોંગ્રેસ હેડક્‍વાર્ટરમાં એપોઇન્‍ટમેન્‍ટ વગર કાર્યકરોને મળવાનું શરૂ કર્યું છે.

પાર્ટીના નેતાઓએ કહ્યું કે ૨૦૧૯માં રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપ્‍યા બાદ, બેઠકોની આ પ્રક્રિયા અટકી ગઈ હતી. કોંગ્રેસના સાંસદ અને ખડગે સાથે સંકળાયેલા સંયોજક નાસિર હુસૈને જણાવ્‍યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આ રીતે કાર્યકરોને સતત મળતા હતા. પરંતુ કોરોનાના કારણે આ બધું બંધ થઈ ગયું. તે ફરી શરૂ થઈ ગયું છે અને લોકો કોઈ પણ પૂર્વ એપોઈન્‍ટમેન્‍ટ વગર મળી શકે છે.

ખડગેએ સંપૂર્ણપણે સત્તા સંભાળી લીધી છે, પરંતુ દેખીતી રીતે કોંગ્રેસ તંત્ર જવાબ આપવામાં ધીમી રહી છે. જયારે સોનિયા ગાંધી અધ્‍યક્ષ બન્‍યા, ત્‍યારે તેમની તસવીર ૨૪ અકબર રોડ, દિલ્‍હી ખાતેના પાર્ટી હેડક્‍વાર્ટરના સત્તાવાર બોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. કોંગ્રેસ હેડક્‍વાર્ટરમાં કોંગ્રેસના દરેક કાર્યકર્તાના રૂમમાં સોનિયા અને અન્‍ય દિગ્‍ગજ નેતાઓની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી.

એ જ રીતે મહાસચિવ તરીકે નિયુક્‍ત થયા બાદ તરત જ એઆઈસીસીના પદાધિકારીઓના રૂમમાં પણ રાહુલ ગાંધીની તસવીર જોવા મળી હતી. ૨૦૧૭ માં તેઓ પાર્ટીના વડા બન્‍યા ત્‍યારથી, તેમની તસવીર સમગ્ર AICC પર પ્‍લાસ્‍ટર કરવામાં આવી છે અને દિવાલો પણ ગાંધી-નેહરૂ પરિવારના અન્‍ય સભ્‍યોની તસવીરોથી શણગારવામાં આવી છે જેમણે પાર્ટીના હોદ્દા સંભાળ્‍યા છે.

(11:05 am IST)