Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઉમેદવારો મતદારોના શરણે : ઢોલ - નગારા - ડીજેના બદલે ડોર ટુ ડોર પ્રચાર

મત મેળવવા મતદારો સમક્ષ સાષ્‍ટાંગ દંડવત : ચૂંટણી પ્રચાર માટે મતદારો સમક્ષ સીધા સંપર્કનો ટ્રેન્‍ડ

નવી દિલ્‍હી તા. ૨૨ : ચૂંટણી પ્રચાર માટે એક સમયે ઢોલનગારા ડીજેના તાલે રેલીઓ કાઢવામાં આવતી હતી. ચૂંટણી પ્રચારના ભુંગળાઓ રાતદિવસ ધમધમતા હતા. નેતાઓની સભાઓ યોજાતી હતી. જોકે, આ વખતની ચૂંટણીમાં હાલની સ્‍થિતીએ ઉમેદવારો અને રાજકિય પાર્ટીઓએ પ્રચારનો ટ્રેન્‍ડ બદલ્‍યો હોવાનું જણાઇ રહ્યુ છે. ઝાકઝમાળ વાળી પ્રચાર રેલીઓના બદલે ઉમેદવારો હવે મતદારોના ઘર આંગણે જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચારને પ્રાધાન્‍ય આપ્‍યુ હોય તેમ જણાઇ રહ્યુ છે.રૂબરૂ મુલાકાત, વાતચીતની સ્‍ટ્રેટેજીથી મતદારોને રેલીઓ અને સભાઓની સરખામણીમાં વધુ પ્રભાવિત કરી શકાય તેમ ઉમેદવારો માની રહ્યા છે. જેના કારણે ચૂંટણી પ્રચારમાં મતદારોનો સીધો સંપર્ક સાંધવાનો ટ્રેન્‍ડ સાધવાનો ઉમેદવારોમાં એક ટ્રેન્‍ડ જોવા મ ળી રહ્યો છે.

સામાન્‍ય રીતે જનમાનસમાં ચૂંટણી પ્રચાર એટલે, લાંબી રેલીઓ, ડીજેના તાલે ઉમેદવારો અને જે તે રાજકિય પાર્ટીઓનો પ્રચાર કરતા બનાવેલા ગીતોની બોલતી રમઝટ, વાહનોની લાંબી લાઇનો, મેદાનોમાં નેતાઓની જાહેરસભાઓ, પાર્ટીઓના સિમ્‍બોલની ઠેરઠેર ફરકતા ધજા પતાકા હોય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં પ્રચારની કાંઇક અલગ જ રીતભાત જોવા મળી રહી છે. શક્‍તિપ્રદર્શનને બાદ કરતા અત્‍યાર સુધીમાં એકપણ રાજકિય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઝાકમઝોળ કરવામાં આવી નથી. તમામ રાજકિય પાર્ટીઓ અને ઉમેદવારો ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના બદલે સાયલન્‍ટ પ્રચારમાં માની રહ્યા હોય તેમ તમામ મતદારો સાથે સીધા સંપર્કમાં આવવાની નિતી પર ધ્‍યાન કેન્‍દ્રીત કરી રહ્યા છે. તમામ મુખ્‍ય રાજકિય પક્ષો વખતે ડોર ટુ ડોર પ્રચારની સ્‍ટ્રેટેજી પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છે. ઉમેદવારો અને તેમનો પ્રચાર કરતા કાર્યકર્તાઓ રાઉન્‍ડ ધ ક્‍લોક ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. એક એક મતદારના ઘરે જઇને હાથ જોડીને તેમની સાથે સંવાદ કરી રહ્યા છે. સાથેસાથે પોતાની પાર્ટીના ગુણગાન ગાઇ રહીને પોતાને મત આપી જીતાવડા માટે આજીજી કરી રહ્યા છે. જે રીતે મતદારો પાસેથી મતો માંગવામાં આવી રહયા છે તે જોતા ઉમેદવારો મતદારો સમક્ષ સાષ્ટાંગ દંડવત કરી રહ્યા હોય તેવી સ્‍થિતી સર્જાઇ છે. મતદારો પણ ઉમેદવારો દ્વારા કરાતા પ્રચારથી પ્રભાવિત છે. ચૂંટણી જંગ જીતવા માટે જ્ઞાતિ સમીકરણ મહત્‍વનું પાસુ છે. ઉમેદવારો વિવિધ સમાજની બેઠકો બોલાવી રહ્યા છે. પ્રચાર માટે નાણાની કોથળીઓ ખુલ્લી મુકી રહ્યા છે.

(11:49 am IST)