Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

૬૬૧.૨૯ કરોડની સંપત્તિ : જયંતિ પટેલ સૌથી શ્રીમંત ઉમેદવાર

જયંતિ પટેલ ભાજપ તરફથી માણસા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે : વાર્ષિક આવક રૂા. ૪૪.૨૨ લાખ : ભાજપના સિધ્‍ધપુર બેઠકના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત બીજા ક્રમે : તેમની સંપત્તિ ૪૪૭ કરોડ : દ્વારકાના પબુભા પાસે રૂા. ૧૭૮.૫૮ કરોડ તો ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ પાસે રૂા. ૧૫૯.૮૪ કરોડની સંપત્તિ : રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા પાસે રૂા. ૧૨૪.૮૬ કરોડની સંપત્તિ

નવી દિલ્‍હી તા. ૨૨ : ગુજરાત વિધાસનભાની ચૂંટણી માટે જેટલા ઉમેદવારોએ નામાંકન કરાવ્‍યું છે તેમાં સૌથી ધનિક ભારતીય જનતા પાર્ટીના નેતા જયંતિ પટેલ છે. જયંતિ પટેલ માણસા બેઠકથી ચૂંટણી લડશે. જયંતિ પટેલ ૩ દશકથી રિયલ એસ્‍ટેટના બિઝનસ સાથે જોડાયેલા છે. તેમણે પોતાની સંપત્તિમાં ચલ-અચલ મિલકત તેમજ ઘરેણાંનો ઉલ્લેખ કર્યો છે. તેમના પરિવારની કુલ સંપત્તિ ૬૬૧.૨૯ કરોડ રૂપિયા છે.

માણસા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ જે નેતાને ટિકિટ આપી છે તે ગુજરાતના તમામ ઉમેદવારોમાં સૌથી ધનિક છે. અહીં જયંતિ પટેલની વાત કરવામાં આવી રહી છે. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી માટે જેટલા પણ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે તેમાં સૌથી વધારે સંપત્તિ જયંતિ પટેલની છે. તેમણે નામાંકન પત્રની સાથે જે સોગંદનામું સોંપ્‍યું છે તેમાં પોતાની સંપત્તિ ૬૬૧.૨૯ કરોડ રુપિયા દર્શાવી છે. જો ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીના ઉમેદવારોની યાદી જોવામાં આવે તો પણ કહી શકાય કે, અત્‍યાર સુધી જયંતિ પટેલ જ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર છે.

તેમણે જણાવ્‍યું કે, મને નથી ખબર કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. હું પાછલા ૩ દશકથી રિયલ એસ્‍ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું. મારો દીકરો અને હું ખૂબ મહેનત કરીએ છીએ, જેના પરિણામે આજે આ બિઝનેસ સ્‍થાપિત થઈ શક્‍યો છે. અમે સફળતા બદલ ખુશ પણ છીએ. નોંધનીય છે કે ૬૪ વર્ષીય જયંતિ પટેલના પુત્રનું નામ પંકજ પટેલ છે જયારે દીકરીનું નામ પ્રિયંકા પટેલ છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

જયંતિ પટેલના પિતા સોમા પટેલ માણસા તાલુકામાં આવેલા અજોલ ગામમાં ખેડૂત હતા. અત્‍યારે તેમનો પરિવાર ગાંધીનગર જિલ્લાના નભોઈમાં રહે છે. જયંતિ પટેલ જણાવે છે કે, જન સંઘના સમયથી જ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. જયંતિ પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, તેમની વાર્ષિક આવક ૪૪.૨૨ લાખ રૂપિયા છે જયારે પત્‍ની આનંદીની વાર્ષિક આવક ૬૨.૭ લાખ રૂપિયા છે. તેમની પાસે ૯૨.૪ લાખ રૂપિયા કિંમતના ઘરેણાં છે જયારે પત્‍ની પાસે ૧.૨ કરોડ કિંમતના ઘરેણાં છે. તેમના પરિવારની ચલ સંપત્તિ ૧૪૭.૦૪ કરોડ રૂપિયા છે જયારે અચલ સંપત્તિ ૫૧૪ કરોડ રૂપિયા છે.

સિદ્ધપુરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બળવંતસિંહ રાજપુત બીજા ક્રમાંકે આવે છે. તેઓ ૪૪૭ કરોડ રૂપિયા સંપત્તિના માલિક છે. ત્‍યારપછી પબુભા માણેક જે દ્વારકાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની સંપત્તિ ૧૭૮.૫૮ કરોડ રૂપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર ઈન્‍દ્રનીલ રાજગુરૂ જે રાજકોટ ઈસ્‍ટથી લડવાના છે, તેમની કુલ સંપત્તિ ૧૫૯.૮૪ કરોડ રૂપિયા છે. ત્‍યારપછી ૧૨૪.૮૬ કરોડ સાથે રમેશ તિલારાનો નંબર આવે છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા જે વાઘોડિયા બેઠકથી લડશે તેમની સંપત્તિ ૧૧૧.૯૭ કરોડ રૂપિયા છે.

(11:02 am IST)