Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

આધાર સાથે લિંક ન કરાયેલા PANના ઉપયોગથી રૂા. ૧૦ હજારનો દંડ થશે

લેટ ફી વિના ૩૧ મી માર્ચ ૨૦૨૩ સુધી લિંક કરાવી શકાશે : ૩૧મી માર્ચ ૨૦૨૩ બાદ પાન કાર્ડને નિષ્‍ક્રિય કરી દેવાશે

નવી દિલ્‍હી,તા. ૨૨: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ (સીબીડીટી)એ જાહેર કર્યું છેકે, ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધીમાં કરદાતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરે તો તેમનું પાન કાર્ડ નિષ્‍ક્રિય કરી દેવામાં આવશે. ૩૧મી માર્ચ ૨૦૨૩ બાદ આધાર સાથે લિંક ન કરાયેલા પાન કાર્ડનો દસ્‍તાવેજોમાં ઉપયોગ કરનારને રૂ.૧૦ હજારનો દંડ થઇ શકશે. ઇન્‍કમટેક્‍સ વિભાગે જણાવ્‍યું છેકે, જો કરદાતા તેમના આધાર કાર્ડને ૩૧મી માર્ચ સુધીમાં લિંક ન કરાવે તો પરમેનેન્‍ટ એકાઉન્‍ટ નંબર (PAN) કાર્ડ નિષ્‍ક્રિય થઇ જશે.

જે કાર્ડ હોલ્‍ડર ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીમાં તેમના પાન ને આધાર સાથે જોડવામાં નિષ્‍ફળ રહ્યા છે તેમણે રૂ.૧૦૦૦ પેનલ્‍ટી ચૂકવવી પડશે. જોકે આવા કાર્ડ હોલ્‍ડરો તેમના પાન કાર્ડ ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ઉપયોગ કરી શકશે.

પાન કાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્‍ફળ રહેલી વ્‍યક્‍તિના પાન નિષ્‍ક્રિય થઇ જશે. વ્‍યક્‍તિ ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધીમાં લેટ ફી ચૂકવ્‍યા વિના પાન અને આધારને જોડી શકશે. જો સ્‍થગિત થઇ ગયેલા પાન કાર્ડનો દસ્‍તાવેજોમાં ઉપયોગ કરનાર ઉપર ઇન્‍કમટેક્‍સ એક્‍ટ ૧૯૬૧નીકલમ ૨૭૨B મુજબ રૂ.૧૦ હજારનો દંડ થઇ શકશે.

પાન કાર્ડ નિષ્‍ક્રિય થતાં શું અસર પડી શકે ?

જો પાન કાર્ડ નિષ્‍ક્રિય થઇ ગયું હોય તો વ્‍યક્‍તિ મહત્‍વના નાણાંકીય વ્‍યવહારો કરી નહિ શકે. જેમાં નવું બેંક એકાઉન્‍ટ ખોલવું, મ્‍યુચ્‍યુઅલ ફંડ અને સ્‍ટોક એકાઉન્‍ટ ખોલી નહિ શકે. પાન કાર્ડ ધારકે ભરેલા ઇન્‍કમટેક્‍સ રિટર્નમાં જો રિંફંડ મળવા પાત્ર હોય તો તે મળી નહિ શકે. ટીડીએસ પણ હવે પાન નંબરનો ઉપયોગ ન થતાં ઉંચા દરે જ ચૂકવવો પડી શકે.

પાન હોલ્‍ડરો આળસમાં આધાર સાથે લિંક કરાવતા નથી

ઘણી વ્‍યકિતઓ આળસમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવતા નથી. ઘણાને આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવાનો હોય છે પણ તે કરાવતા ન હોવાથી આધાર કાર્ડ સાથે લિંક થઇ શકતા નથી.

(11:02 am IST)