Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નવ વર્ષ પહેલા થયા હતા છૂટાછેડા : હાઈકોર્ટે ૩૧.૬૮ લાખ રૂપિયા ખાધાખોરાકી આપવાનો મુસ્‍લિમ યુવકને આપ્‍યો આદેશ

મહિલાની દલીલ હતી કે તેના પૂર્વ પતિનો પગાર બે લાખ રૂપિયા હતો જ્‍યારે યુવક દાવો કરી રહ્યો હતો કે તેનો પગાર ૬૦,૦૦૦ રૂપિયા જ છે

કોચી, તા.૨૨: લગભગ પાંચ વર્ષ પહેલા પત્‍નીને તલાક (છૂટાછેડા) આપનાર મુસ્‍લિમ યુવકને હાઈકોર્ટે ૩૧.૬૮ લાખ રુપિયા ખાધાખોરાકીના આપવાનો આદેશ આપ્‍યો છે. ઉલ્લેખનીય છે કે Kizhakkambalam નજીક આવેલા Malayidam Thuruth વિસ્‍તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ એડવોકેટ એ. રાજાસિમ્‍હાના માધ્‍યમથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્‍ટિસ કૌસરે આ અરજીની સુનાવણી કરીને આદેશ આપ્‍યો છે.

અરજીકર્તાના લગ્ન Kalamassery નજીક આવેલા પલ્લિમકારાના એક યુવક સાથે જૂન, ૨૦૦૮માં થયા હતા. યુવકની ઉંમર અત્‍યારે ૩૮ વર્ષ છે. તેઓ એક દીકરાના માતા-પિતા પણ છે. પરંતુ ડિસેમ્‍બર ૨૦૧૩માં છૂટાછેડા થઈ ગયા હતા. મહિલાએ એડિશનલ સેશન્‍સ કોર્ટમાં મુસ્‍લિમ વિમેન એક્‍ટ ૧૯૮૬ના સેક્‍શન ૩ અંતર્ગત અરજી દાખલ કરી હતી. મહિલાએ અરજીમાં માંગ કરી હતી કે, ભવિષ્‍ય માટે એક કરોડ રુપિયા, ઈદ્દતના સમયગાળા દરમિયાન જે ખર્ચ થયો તે બદલ ૧,૫૦,૦૦૦ રુપિયા, લગ્નમાં મહેર તરીકે આપવામાં આવેલું ૭૦ ગ્રામ સોનું તેમજ તેના માતા-પિતા દ્વારા આપવામાં આવેલુ સોનું જે પતિએ લઈ લીધુ હતું તેની કિંમત ૧,૪૧,૬૮૦ રુપિયા આપવામાં આવે.

અરજી કરનાર મહિલાએ દાવો કર્યો કે, તેનો પૂર્વ પતિ કતરમાં એક સરકારી હોસ્‍પિટલમાં લેબ ટેક્રિશિયન હતો અને તેનો પગાર બે લાખ રુપિયા હતો. જો કે, યુવકની દલીલ છે કે તેનો પગાર ૬૦,૦૦૦ રુપિયા હતો. મહિલાએ કોર્ટમાં દલીલ કરી કે, જ્‍યારે દોહામાં તેની સાથે રહેવા માટે ફેમિલી સ્‍ટેટસ વિઝા માટે અરજી કરવાની હતી ત્‍યારે તેણે સેલેરી સ્‍લિપ જોઈ હતી. આ દલીલના આધારે કોર્ટે નોંધ્‍યું કે યુવકનો પગાર બે લાખ રુપિયા હશે. કોર્ટે નોંધ્‍યું કે, મહિલા અને તેના દીકરાને ગુજરાન ચલાવવા માટે દર મહિને ઓછામાં ઓછા ૩૩,૦૦૦ રુપિયાની જરુર છે. પાછલા આઠ વર્ષની ગણતરી કરીને કોર્ટે ૩૧.૬૮ લાખ રુપિયા આપવાનો આદેશ આપ્‍યો છે.

પીટિશનને ધ્‍યાનમાં રાખીને હાઈકોર્ટે જણાવ્‍યું કે, બન્ને પક્ષોના સ્‍ટેટસને ધ્‍યાનમાં રાખવા જોઈએ. યુવકની ભરણપોષણ આપવાની ક્ષમતા તેમજ અરજીકર્તાની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને રકમ નક્કી કરવી જોઈએ. ખાધાખોરાકીની રકમ એટલી હોવી જોઈએ કે વર્તમાન સામાજિક અને આર્થિક સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને તેની ભવિષ્‍યની જરૂરિયાતો પૂરી થઈ શકે.

અરજીકર્તાએ કેમેસ્‍ટ્રીમાં MSc, ઈન્‍ડસ્‍ટ્રીયલ કેટાલિસીસમાં એમ.ટેક તેમજ ફિઝિકલ સાયન્‍સમાં બીએડ કર્યું છે. તે જૂનિયર રિસર્ચર તરીકે પણ કામ કરી ચૂકી છે તેમજ વર્ષ ૨૦૦૮-૦૯માં મુંબઈમાં આવેલા બાબા એટોમિક રિસર્ચ સેન્‍ટરમાં એક પ્રોજેક્‍ટમાં તેની પસંદગી થઈ હતી. તેણીના પિતા PWDના બી-ક્‍લાસ કોન્‍ટ્રાક્‍ટર છે, અને તેણીના ભાઈ-બહેનો પણ સારું જીવન પસાર કરી રહ્યા છે. યુવકનો પરિવાર પણ પૈસેટકે સદ્ધર હતો. કોર્ટે નોંધ્‍યું કે, પતિ-પત્‍નીનું જીવનધોરણ પણ ઘણું ઉંચુ હતું. હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્‍યું કે, અહીં અરજીકર્તાના પૂર્વ પતિએ નીચલી અદાલતમાં પગારને લગતો કોઈ પૂરાવો રજૂ નથી કર્યો, તેણે માત્ર સેશન્‍સ કોર્ટમાં સેલેરી સર્ટિફિકેટ જમા કરાવ્‍યુ હતું.

(10:50 am IST)