Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટમાં સભામાં મોરબી ઝૂલતા પુલ મામલે રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર :કહ્યું -ચોકીદારોને પકડ્યા જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી નહિ ?

150 લોકોના મોત એ રાજનીતિ કરવાની બાબત નથી. પણ અત્યાર સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહી તેમજ એફઆઈઆર કેમ નહીં ?

રાજકોટ :આગામી વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષોનાં દિગ્ગજ નેતાઓ સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે  કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ તેમજ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે મોરબીની દુર્ઘટના મામલે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, 150 લોકોના મોત એ રાજનીતિ કરવાની બાબત નથી. પણ અત્યાર સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહી તેમજ એફઆઈઆર કેમ નહીં ? માત્ર ચોકીદારોને પકડીને સંતોષ માની લેવાયો ? જવાબદારો ભાજપનાં નેતાઓ નજીક હોવાથી કાર્યવાહી નહીં થાય ? બીજીતરફ ઈન્દ્રનીલ રાજગુરુએ 'આપ'માં જવા બદલ જાહેરમાં રાહુલ ગાંધી અને લોકોની માફી માંગી હતી. અને કહ્યું હતું કે, એક ખોટા વ્યક્તિને દૂર કરવા બીજા ખોટા વ્યક્તિ કેજરીવાલ પાસે ગયો તે માટે દિલગીર છું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે. પહેલા પબ્લિક સેક્ટરમાં નોકરી મળી જતી હતી. હવે તેને પ્રાઇવેટાઇઝ કરીને અમુક ઉદ્યોગકારોને હવાલે કરાઈ રહ્યું છે. કોંગ્રેસની સરકારમાં પેટ્રોલ 60 હતું જે આજે 100 રૂપિયા છે. બે ભારત બની રહ્યા છે. એક અરબપતિઓનું અને બીજું ખેડૂતો અને ગરીબોનું છે. અમારે બે નહીં એક ભારત જોઈએ છે. ભારત જોડો યાત્રાનો રસ્તો મહાત્મા ગાંધીજી સહિતના ગુજરાતીઓએ બતાવ્યો હતો. ગુજરાતે બતાવેલા રસ્તા પર અમે ચાલીએ છીએ. યાત્રામાં અમે આખો દિવસ સૌની વાત સાંભળીએ છીએ. અને માત્ર 15 મિનિટ અમારી વાત કહીએ છીએ.

મીડિયા વિશે કહ્યું હતું કે, પ્રેસનાં મિત્રો કહીએ છીએ પણ તમેં અમારી વાત નથી ઉપાડતા. જોકે તેમાં અહીં બેઠેલા પ્રતિનિધિઓને કોઇ વાંક નથી.પ્રેસના માલિકો.. કહી કહ્યું- જુઓ બધા સમજી ગયા. ભારત જોડો યાત્રા વિશે કહ્યું કે, યાત્રા દરમિયાન અનેક ખેડૂતો, વેપારીઓ, સાધારણ કામ કરનારા લોકો સાથે વાતો થઈ છે. લાખો લોકો આવે છે અને ખૂબ પ્રેમ આપે છે પણ ટીવી વાળા પૂરું બતાવતા નથી. સવારથી રાત આ યાત્રા ચાલતી હોવા છતાં લોકોની શક્તિને કારણે થાક લાગતો નથી. યાત્રા ગુજરાતથી નહીં નિકળ્યાનું દુઃખ થાય છે.

(12:06 am IST)