Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ત્રિદિવસીય "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ "નુ આગામી તા.૧૦મી જાન્યુઆરી-૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન : ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે: દેશ-વિદેશોમાં રોડ શો યોજાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા. ૮ અને ૯ ડિસેમ્બરના દુબઇ-અબુધાબી ખાતે રોડ શોમાં ઉપસ્થિત રહેશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત તા.૧લી ડિસેમ્બર થી ૧૨મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે : આજથી વાયબ્રન્ટ સમિટ સુધી દર સોમવારે મહત્વના MOU કરાશે : દેશભરના ૬ રાજ્યોના મેટ્રોપોલીટીન સીટીમાં રોડ શો યોજાશે : મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૨૨ ઉધોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની ૧૦મી શૃંખલા આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન યોજાશે. 

તા.૧૦મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તેમજ ગ્લોબલ ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ યોજાશે. ત્રિદિવસીય સમિટમાં વિવિધ ક્ષેત્રો સંદર્ભે વિવિધ સેમીનારો યોજાશે. વાયબ્રન્ટ સમિટ પૂર્વે રાજ્યભરમાં દશ જેટલા વિવિધ ક્ષેત્રોના પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમો પણ યોજાશે. તેમજ આ ૧૦મી વાયબ્રન્ટ સમિટમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે. 

આજે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં રૂા.૨૪,૧૮૫ કરોડના ૨૦ MOU પર હસ્તાક્ષર થયા છે જેના પરિણામે ૩૭ હજાર જેટલી નવી પ્રત્યક્ષ રોજગારીની તકો મળશે. 

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા આપતા  શ્રી ગુપ્તાએ કહ્યું કે, તા.૧૦મી જાન્યુઆરીએ દેશના વડાપ્રધાનશ્રીના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે. તા.૧૧મી જાન્યુઆરીએ વડાપ્રધાનશ્રીની વિઝનરી યોજના 'ગતિશક્તિ યોજના' હેઠળ ગુજરાતને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રકચરલ તેમજ ઇન્વેસ્ટમેન્ટ દ્રષ્ટિકોણથી વધુને વધુ લાભ મળે તેની કાર્યરીતિ ઘડાશે. તે ઉપરાંત પ્રોડક્શન લિંકડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ અંતર્ગત વિવિધ સેક્ટરમાં જાહેર કરાયેલી યોજનાઓ થકી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આગળ ધપાવવા નક્કર કદમ ભરાશે અને દેશમાં પ્રોડક્શન અંગેની તૈયાર કરાયેલી યોજનાઓ અંગે પણ વિશદ ચર્ચા હાથ ધરવામાં આવશે. જ્યારે તા.૧૨ મી જાન્યુઆરીએ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ, વધુને વધુ રોજગારી તેમજ ટેકનોલોજી થકી વેલ્યુ એડીશન થાય તે સહિતના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે અને ત્યારબાદ વાયબ્રન્ટ સમિટનું સમાપન કરવામાં આવશે. 

શ્રી ગુપ્તાએ ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવશ્રીઓ રોડ શો માટે જશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૮ અને ૯મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. જ્યારે દેશભરના વિવિધ ૬ જેટલા રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૫મી નવેમ્બરના રોજ દિલ્હી ખાતેના રોડ શોમાં સહભાગી થશે તે ઉપરાંત મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે યોજાનાર રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. 

ગુપ્તાએ ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તા. ૧લી ડિસેમ્બરથી ૧૨મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજથી વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. જે એમઓયુ પ્રોજેક્ટમાં પરિવર્તિત થાય તેવા જ એમઓયુ કરવામાં આવશે. 

તેમણે ઉમેર્યું કે આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જે માટે આજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેન્કર્સ મિટિંગ પણ કરાઇ છે જે મહત્વની પૂરવાર થશે. તેમણે કહ્યું કે એમએસએમઇ  ઉધોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે તા.૧૦મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ રાખવામાં આવી છે.

(5:02 pm IST)