Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

બાલાકોટ એરસ્ટ્રાઇકના હીરોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

બાલાકોટ એરસ્ટ્રાઇકના હિરો અભિનંદન વર્ધમાન વીરચક્રથી સન્માનિત

નવી દિલ્હી તા. ૨૨ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. બાલાકોટ એરસ્ટ્રાઈકના એક દિવસ પછી પાકિસ્તાન એરફોર્સની એલઓસી પર ઘૂસણખોરીને નિષ્ફળ બનાવનાર વિંગ કમાન્ડર (તત્કાલીન) અભિનંદન વર્ધમાનને આ મહિને બઢતી આપવામાં આવી હતી. અભિનંદનને વીર ચક્ર એનાયત કરવાની જાહેરાત પહેલા જ થઈ ચૂકી હતી. અગાઉ તેમને પાકિસ્તાની હવાઈ ઘૂસણખોરી રોકવા માટે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે. અભિનંદન ઉપરાંત, સેપર પ્રકાશ જાધવને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, મેજર વિભૂતિ શંકર ધૌંડિયાલને પણ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ આતંકવાદીઓને મારવા અને ૨૦૦ કિલો વિસ્ફોટકો રિકવર કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના આત્મઘાતી બોમ્બરે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ પછી, ૨૬ ફેબ્રુઆરીએ ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો. આ દરમિયાન, ૨૭ ફેબ્રુઆરીએ, અભિનંદને એલઓસી તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનના F-16 ફાઇટર એરક્રાફટને પરત મોકલવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-૨૧ બાઇસન પ્લેન પાકિસ્તાની એફ-૧૬ એરક્રાફટ સાથે ડોગફાઇટ કરતી વખતે ક્રેશ થયું અને તે પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીર બોર્ડર પર પહોંચ્યો, જયાં તેણે પેરાસુટ લેન્ડિંગ કર્યું હતું. પાકિસ્તાનના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધો હતો અને તેણે અભિનંદનનો એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તે આંખે પાટા બાંધેલા અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

(4:52 pm IST)