Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પેટીએમમાં ધોવાણ ચાલુઃ શેર લાગ્યા છે તેમણે હવે શું કરવું?

IPOમાં જેમને પેટીએમના શેર લાગ્યા તેમને રોવાનો વારો આવ્યોઃ બે દિવસમાં ૩૯ ટકા ઘટયો શેર.. હજુ ભાવ કેટલો ઘટશે તે મોટો પ્રશ્ન

મુંબઈ, તા.૨૨: બહુચર્ચિત બનેલા અને દેશના સૌથી મોટા આઈપીઓ કહેવાતા પેટીએમમાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. લિસ્ટિંગના દિવસે જ શેરની કિંમતમાં ૨૫ ટકાનો કડાકો બોલાયા બાદ સોમવારે બીજા દિવસે પણ તેમાં ધોવાણ યથાવત રહ્યું છે. સવારે ૧૨.૦૦ કલાકની સ્થિતિએ પેટીએમનો શેર પાછલા બંધથી ૧૬ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. મતલબ કે, માત્ર બે જ દિવસમાં આ શેરમાં રોકાણ કરનારા લોકોને ૩૯ ટકાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેનાથી પણ મોટી ચિંતા એ વાતની છે કે આ શેર કયા લેવલે રોક બોટમ બનાવશે?

એનાલિસ્ટ્સનું માનીએ તો, પેટીએમ કયારથી નફો કરવાનું શરુ કરશે તે અંગે કોઈ કશુંય કહી શકે તેમ નથી. વળી, તેની સિનિયર ટીમમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. તેવામાં કેટલીક ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂટ્સ આ શેરમાં હાલ કોઈ ખરીદી કરે તેવી શકયતા લગભગ નહીવત જણાઈ રહી છે. તેનો સાફ મતલબ છે કે શોર્ટ ટર્મમાં આ શેરમાં સુધારો થવાના કોઈ ચાન્સ નથી.

પેટીએમે ૨૧૫૦ રુપિયાના ભાવે આઈપીઓમાં શેર ઓફર કર્યા હતા. જોકે, ગુરુવારે તેનું લિસ્ટિંગ રુ. ૧૯૫૦ રુપિયાના ભાવે થયું હતું, અને માર્કેટ બંધ થયું ત્યારે શેર ૧૫૬૪ રુપિયા પર હતો. આજે સવારે ૧૨.૦૦ વાગ્યે આ શેર ૧૩૦૬ રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેટીએમના શેર્સના વેલ્યૂએશન અંગે પહેલાથી જ એકસપર્ટ્સ સવાલ ઉઠાવી રહ્યા હતા. કારણકે, કંપનીની આવકની સામે શેરનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હતું. પેટીએમે તો પોતાનું વેલ્યૂએશન ૨૦ અબજ ડોલર આંકયું હતું જે દેશની કેટલીક બ્લૂચીપ કંપનીઓ કરતાં પણ વધારે છે.

પ્રભુદાસ લીલાધરના હેડ- ઈન્વેસ્ટમેન્ટ પ્રોડકટ પીયૂષ નાગદાના જણાવ્યા અનુસાર, પેટીએમના શેર્સમાં ટૂંકા ગાળામાં વેચવાલીનું વલણ યથાવત રહેશે. જે લોકોને આઈપીઓમાં શેર લાગ્યા છે તે લોકો દરેક ઉછાળે તેમાંથી એકિઝટ કરવા માટે પ્રયાસ કરશે. પરંતુ નવા રોકાણકારો તેમાં ખરીદી કરવાનું ટાળશે. તેમણે જણાવ્યું હતું કે ખોટ કરતી કંપનીના શેરની યોગ્ય વેલ્યૂ આંકવી અદ્યરી છે, પરંતુ ૧૨૫૦-૧૩૦૦ રુપિયાના સ્તરે તેમાં થોડું મોમેન્ટમ જોવા મળે તેવા ચાન્સ છે.

મેકવારીએ પેટીએમના લિસ્ટિંગના દિવસે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં આ શેરની કિંમત ૧૨૦૦ રુપિયા આંકી હતી. એક નોંધમાં બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, પેટીએમ કેશ બર્નિંગ મશીન છે, અને પ્રોફિલિટી સુધી પહોંચવા માટે તેની પાસે કોઈ સ્પષ્ટ વિઝન નથી. જો પેટીએમ મની લેન્ડિંગ શરુ ના કરે તો માત્ર ડિસ્ટ્રિબ્યૂટર તરીકે તે પૂરતી આવક નહીં રળી શકે.

(4:50 pm IST)