Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોની મોટી જાહેરાત : PMને લખેલા પત્રમાં કિસાન મોરચાએ મૂકી ૬ માંગણી

કૃષિ કાયદા વિરોધી આંદોલન દરમિયાન જે પણ ખેડૂતોના મોત થયા છે તેમના પરિવારને વળતર આપવામાં આવે

નવી દિલ્હી તા. ૨૨ : પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં કિસાન મોરચાએ લખ્યું કે સરકારે તત્કાળ ખેડૂતો સાથે મંત્રણા શરૂ કરવી જોઈએ, જયાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી વાતચીત કરવી જોઈએ.

મોરચાએ કહ્યું કે તમે તમારા સંબોધનમાં ખેડૂતોની મુખ્ય માગ અંગે કોઈ ફોડ પાડ્યો નથી તેને કારણે ખેડૂતો નિરાશ છે. ખેડૂતોએ એવું પણ કહ્યું કે ખેડૂતો સામે નોંધાયેલા કેસો પરત ખેંચાવા જોઈએ. મોરચાની એવી પણ માગ છે કે કૃષિ કાયદા વિરોધી આંદોલન દરમિયાન જે પણ ખેડૂતોના મોત થયા છે તેમના પરિવારને વળતર આપવામાં આવે.

ખેડૂતોની મુખ્ય છ માગ

(૧) ખેતીના તમામ ખર્ચ પર આધારિત તમામ પાક માટે એમએસપી પર કાયદો બનાવો જેથી કરીને દરેક ખેડૂતને એમએસપીની ગેરન્ટી મળી શકે.

(૨) લખીમપુર ખીરી હત્યાકાંડના આરોપી અજય મિશ્રા ટેનીને બરખાસ્ત કરીને તેમની ધરપકડ કરવામાં આવે.

(૩) આંદોલન દરમિયાન શહીદ થયેલા ૭૦૦ ખેડૂતોના પરિવારને વળતર અપાય, તેમનું પુનઃવસન કરવામાં આવે.

(૪) સરકાર દ્વારા પ્રસ્તાવિત વિદ્યુત અધિનિયમ સંશોધન વિધેયકનો ડ્રાફટ પરત ખેંચવામાં આવે.

(૫) NCRમાં એર કવોલિટી મેનેજમેન્ટ માટે ખેડૂતોને સજા આપવાની જોગવાઈ હટાવી દેવામાં આવે.

(૬) સરકારે તત્કાળ ખેડૂતો સાથે મંત્રણા શરૂ કરવી જોઈએ, જયાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી વાતચીત કરવી જોઈએ.

પ્રધાનમંત્રી, તમે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ હવે ઘરે પાછા જાય. અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમને રસ્તા પર બેસવાનો શોખ નથી. અમે આમાંના બાકીના મુદ્દાઓને વહેલી તકે સમાધાન કરવા અને અમારા ઘરો, પરિવારો અને ખેતીમાં પાછા ફરવા માંગીએ છીએ. જો તમે પણ એવું ઇચ્છો છો, તો સરકારે આ છ મુદ્દાઓ પર યુનાઇટેડ કિસાન મોરચા સાથે વિલંબ કર્યા વિના વાતચીત શરૂ કરવી જોઈએ. ત્યાં સુધી મોરચો તેના કાર્યક્રમ મુજબ આંદોલન ચાલુ રાખશે.  ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા કાયદા વાપસીની જાહેરાત બાદ આજે અમારી બેઠક  મળી જે પ્રોગ્રામ પહેલેથી નક્કી થયા છે તે થશે. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. ૨૯ નવેમ્બર અમે સંસદ સુધી રેલી લઈ જઈશું. પ્રધાનમંત્રી મોદીને ખુલ્લો પત્ર લખશે જેમાં MSPની કમિટી અને પરાળી વાળા કાયદા પર પણ ચર્ચા થશે. લખીમપુર ખીરી ઘટનામાં આરોપી મંત્રીને પદ પરથી હટાવવાના મુદ્દે પણ પ્રધાનમંત્રીને પત્ર લખીશું.

ખેડૂતોએ સરકારના એલાનના ફેસલા પર બોલાવેલી બેઠક હવે ૨૭ નવેમ્બર સુધી ટાળી દીધી છે. હવે ૨૭ નવેમ્બરે આ બેઠક યોજાશે જેમાં આંદોલનની દિશા અને ભવિષ્યની રણનીતિ અંગે નિર્ણય થશે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે પહેલેથી નક્કી કાર્યક્રમો તો થશે. સંયુકત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે લખનઉમાં યોજાનારી મહાપંચાયતમાં પણ તેના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ થશે.

બલબીરસિંહ રાજેવાલે આ માહિતી આપતાં કહ્યું હતું કે, ૨૨ નવેમ્બર, ૨૬ નવેમ્બરે મહાપંચાયતનું એક વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીની દરેક સરહદ પર સભા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ૨૯ નવેમ્બરે સંસદ ના કાર્યક્રમ પર ૨૭ નવેમ્બરે એક બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

યુનાઇટેડ કિસાન મોરચા આંદોલન અંગે કોઈ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવા માંગતો નથી. ખેડૂત નેતાઓ કોઈ પણ ઔપચારિક જાહેરાત પહેલાં બુધવારે, ૨૪ નવેમ્બરે કેબિનેટની સંભવિત બેઠક સુધી રાહ જોવા માંગે છે. કેબિનેટની બેઠકમાં કૃષિ બિલ પાછું ખેંચવાના નિર્ણયને ઔપચારિક મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

(4:50 pm IST)