Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પેટીએમના શેરમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં કડાકોઃ શેર ૧૩%થી વધુ તૂટ્યોઃ ભાવ રૂ.૧૩૪૫

કંપનીના સ્થાપક વિજય શેખર શર્માની સંપત્તિમાં બે જ ટ્રેડિંગ સેશનમાં ૫૮ અબજ રૂપિયાથી વધારેનું ધોવાણ થયું છે

નવી દિલ્હી, તા.૨૨: વન૯૭ કોમ્યુનિકેશન લિમિટેડ ની પેરેન્ટ કંપની પેટીએમનો શેર લિસ્ટિંગ બાદ સતત બીજા દિવસે ડાઉન છે. જેના પગલે કંપનીના સ્થાપક વિજય શેખર શર્માની સંપત્તિમાં બે જ ટ્રેડિંગ સેશનમાં ૫૮ અબજ રૂપિયા (૭૮૧ મિલિયન ડોલર)થી વધારેનું ધોવાણ થયું છે. બીજી તરફ બીજા દિવસે પણ શેર નીચે જતાં પેટીએમની માર્કેટ કેપ એક લાખ કરોડથી નીચે જતી રહી છે.

આઈપીઓ ખુલ્યા પહેલા ૨,૧૫૦ રૂપિયાના ઇશ્યૂ ભાવ પ્રમાણે વિજય શેખર શર્માની કંપનીમાં ભાગીદારી ૨.૩ બિલિયન ડોલર હતી. વિજય શેખર શર્માએ ૨૦૦૦ના વર્ષમાં પેટીએમની સ્થાપના કરી હતી. તેમની પાસે કંપનીનો ૯.૧ હિસ્સો અથવા આશરે ૬ કરોડ ઇકિવટી શેર છે.

સોમવારે સવારે ઇન્ડ્રા ડે દરમિયાન પેટીએમનો શેર ૧૨.૭૦ ટકાના કડાકા સાથે ૧,૩૭૦ રૂપિયા પર પહોંચી ગયો હતો. સવારે ૧૧ વાગ્યે બીએસઈ પર પેટીએમનો શેર ૧૩.૧૩%ના ઘટાડા સાથે ૧,૩૫૮ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે બ્રોકરેજ પેઢી Macquarie તરફથી પેટીએમના શેરની ટાર્ગેટ કિંમત ઘટાડીને ૧૨૦૦ રૂપિયા કરવામાં આવી છે. છેલ્લો ભાવ ૧૪ ટકા કરીને ૧૩૪૫ જોવા મળે છે.

એક અહેવાલ પ્રમાણે ઓકટોબર ૨૦૨૧ મહિના દરમિયાન પેટીએમના યૂઝર્સની સંખ્યામાં વર્ષથી વર્ષના હિસાબે ૩૫ ટકાનો વધારો નોંધાયો હતો. આ દરમિયાન યૂઝર્સની સંખ્યા ૬૩ કરોડ રહી હતી. એક વર્ષ પહેલા એટલે કે ઓકટોબર ૨૦૨૦માં યૂઝર્સની સંખ્યા ૪૭ કરોડ હતી. કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૩૦ કવાર્ટર દરમિયાન માસિક સરેરાશ સક્રિય યૂઝર્સ ૫૭ કરોડ રહ્યા હતા.

૧૮ નવેમ્બરના રોજ પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsના શેરનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થયું હતું. રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ (Paytm shares poor listing) સાથે લિસ્ટિંગ થયું છે. પેટીએમના શેરનું આશરે ૯% ડિસ્કાઉન્ટ સાથે એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. જે બાદમાં દિવસના અંતે શેરમાં ૨૭% સુધીનો કડાકો બોલી ગયો હતો. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. પેટીએમના ૧૮,૩૦૦ કરોડ રૂપિયાના આઇપીઓ ૧.૮૯ ગણો ભરાયો હતો.

ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

BSE પર પેટીએમનો શેર ૧,૯૫૫ રૂપિયા પર લિસ્ટ થયો હતો. જયારે NSE પર પેટીએમનો શેર ૧,૯૫૦ રૂપિયા પર લિસ્ટ થયો હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત ૨,૧૫૦ રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી ૧૯૫ રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો. જયારે એનએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી ૧૯૦ રૂપિયા ઓછી કિંમતે ખુલ્યો હતો.

દેશનો સૌથી મોટો આઈપીઓ

પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsના ૧૮,૩૦૦ કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) ૨૦૮૦-૨૧૫૦ રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ ૨૦૧૦ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ ૧૫,૨૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

(4:35 pm IST)