Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ત્રણેય કૃષિ કાનૂનના અભ્યાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ પેનલના સભ્ય અને ખેડૂત નેતાએ ધરી લાલબત્તી જો સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારે તો દેશ બે વર્ષમાં દેવાળીયો બની જશે

૨૩ પાક પર એમએસપીની માંગણી જો સ્વીકારવામાં આવે તો ખતરનાક પરિસ્થિતિ ઉભી થશેઃ સરકાર પાસે બધા પાક ખરીદવા અને વેચવા માટે પાયાની સુવિધા પણ નથી

નવી દિલ્હી, તા. ૨૨ :. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ૩ કૃષિ કાનૂનોના અભ્યાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ પેનલના સભ્ય અને ખેડૂત નેતા અનિલ ધનાવતએ કહ્યુ છે કે જો ૨૩ પેદાશો પર ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) આપવાની માંગણીને સરકાર મંજુર કરી લ્યે તો તેનાથી દેશ દેવાળીયો બનવાના આરે પહોંચી જશે.

અત્રે એ નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે કૃષિ કાનૂનને પરત લેવાની જાહેરાત કરી છે તો ખેડૂતોએ પણ કહ્યુ છે કે જ્યાં સુધી એમએસપીને લઈને અમારી માંગણીઓ પુરી નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અહેવાલ અનુસાર કિસાન નેતા ધનાવતે કહ્યુ છે કે એમએસપીનું ચુકવણુ કેન્દ્ર કરે કે રાજ્ય તે ઝડપથી દેવાના દરીયામાં ડૂબી છે. આ ઘણી ખતરનાક માંગણી છે અને તેને પુરી ન કરી શકાય. જો આ માંગણીને સ્વીકારી લેવામાં આવે તો બે વર્ષની અંદર દેશ દેવાળુ ફુંકી દેશે.

તેમના કહેવા મુજબ આ માંગણી આર્થિક બોજો વધારવાની સાથે જ દેશમાં સ્થિતિ પણ બેકાબુ બની જશે. તેમના કહેવા અનુસાર જો સરકાર હાલ ૨૩ પાક પર એમએસપીની માંગણી સ્વીકારી લે તો બીજા ખેડૂતો પણ પોતાના પાકને લઈને આ પ્રકારની માંગણી કરશે. દર બીજા દિવસે કોઈને કોઈ રાજ્યમાં દેખાવો થવા લાગશે. એકવાર તમે કોઈ એક પાક પર એમએસપી આપશો તો બીજી પેદાશો પર પણ આપવી પડશે.

ખેડૂત નેતાએ કહ્યુ હતુ કે સરકાર પાસે તમામ પેદાશો ખરીદવા અને તેને વેચવા માટે પાયાની સુવિધા પણ નથી એવામાં જો એમએસપીની યાદીમાં વધુ પાક જોડવામાં આવે તો સરકાર તેને કઈ રીતે ખરીદશે અને કયાં રાખશે ?

(4:35 pm IST)