Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

યુપીમાં અમિત શાહ, રાજનાથસિંહ અને નડ્ડાની કિલ્લેબંધીઃ મોદી સહિતના નેતાઓના સતત પ્રવાસ

નવી દિલ્હી, તા. ૨૨ :. ૨૦૨૨માં દેશના પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. ભાજપે પહેલેથી જ રાજ્યમાં આવ-જા શરૂ કરી દીધી છે. જો કે વિપક્ષી દળો યુપીમાં સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. એ ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મહત્વને ધ્યાને રાખી ગુજરાત લોકસભાની સીટ ખાલી કરી વારાણસીને પોતાના સંસદીય ક્ષેત્ર તરીકે પસંદ કર્યુ હતું. પ્રધાનમંત્રી એ વાત જાણતા હતા કે ૨૦૨૪નો દિલ્હીનો રસ્તો ૨૦૨૨ના યુપી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચેથી નિકળશે.

જાન્યુઆરીમાં આચારસંહિતા લાગતા પહેલા જ બીજેપીએ કમરકસી લીધી હતી. આ વખતે પણ મુખ્યમંત્રીનો ચહેરો યોગી આદિત્યનાથ જ છે. નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રના મંત્રીઓ સતત યુપીનો પ્રવાસ કરી રહ્યા છે. ઉદઘાટન સમારંભ અને શિલાન્યાસ કાર્યક્રમોના માધ્યમથી લોકો વચ્ચે જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર અને ચાર અન્ય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. અર્જુન રામ મેઘવાલ, શોભા કરાંદલજે, અન્નપૂર્ણાદેવી, સરોજ પાંડે, કેપ્ટન અભિમન્યુ અને વિવેક ઠાકુરને ચૂંટણીના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. અમિત શાહ, રાજનાથસિંહ અને ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ યુપીમાં કિલ્લેબંધી લગાવી દીધી છે. દરમિયાન કોંગ્રેસ યુપીના અધ્યક્ષ અજયકુમાર લલ્લુનું કહેવુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર યુપી આવી રહ્યા છે કારણ કે તેમને રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણીઓમાં હાર દેખાય ગઈ છે. તેમણે કહ્યુ કે લોકો દુઃખી છે, યુવાન બેરોજગાર છે અને મહિલાઓ અસુરક્ષિત છે. મોંઘવારી ચરમસીમા ઉપર છે અને કિસાનો મરી રહ્યા છે. આ મુદ્દાઓના કારણે ભાજપ ચૂંટણી હારશે. સમાજવાદી પાર્ટીના અભિષેક મિશ્રાએ કહ્યુ કે બીજેપી એ જાણે છે કે યુપીમાં તે ચૂંટણી જીતી શકવાની નથી. સપા બહુમત સાથે ચૂંટાઈ આવશે. બસપાના નેતા અશોક સિદ્ધાર્થનો દાવો છે કે બીજેપી જાણી ગઈ છે કે હવે ફરી સત્તા ઉપર આવવાની નથી. બીજેપીને પૂર્ણ બહુમતી મળવાની નથી. અહીંયા ત્રિકોણીયો જંગ રહેશે. તેમનુ કહેવુ છે કે બસપાના મતદારો શાંત છે અને માત્ર તેમની પાર્ટી પાસે જ બુથ કમિટી સુધીનું સંગઠન છે. આ સંગઠનમાં પાંચ સભ્યો છે અને એક સભ્યએ ૧૦ મતોની જવાબદારી સંભાળી લીધી છે.  દરમિયાન યુપી ચૂંટણીને લઈને અલગ અલગ પાર્ટીએ પોતાના દાવા કર્યા છે. જો ભાજપે યુપી જીતી લીધુ તો દિલ્હી માટે ૨૦૨૪માં તેમનો રસ્તો આસાન થઈ જશે. માટે મોદી સહિતના મંત્રીઓ કોઈ કચાશ છોડી રહ્યા નથી.

(2:34 pm IST)