Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

SBIનું મનસ્વી વલણ, શોર્ટસ પહેરીને આવેલા ગ્રાહકને પ્રવેશવા જ ન દીધો

બેંકમાં પ્રવેશ મેળવવા માટે કોઇ ડ્રેસ કોડ છે ? : ફરિયાદી

કોલકત્તા તા. ૨૨ : પશ્ચિમબંગાળની રાજધાની કોલકાતાના રહેવાસી આશિષ નામના માણસે દાવો કર્યો છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એક બ્રાન્ચમાં પોતે શોર્ટસ પહેરીને ગયો હોવાથી બેન્કમાં પ્રવેશ જ કરવા દીધો નહોતો. સ્ટાફે જણાવ્યું કે ફૂલ પેન્ટ પહેરીને આવો તો જ પ્રવેશ મળશે.

પોતાની સાથે થયેલા આ દુર્વ્યવહાર અંગે ટ્વિટર પર SBIને ફરિયાદ કરતાં સવાલ કર્યો છે કે બેન્કમાં પ્રવેશ મેળવવા માટે કોઈ ડ્રેસ કોડ છે? ડ્રેસના આધારે બેન્કમાં પ્રવેશ આપવાનો કોઈ સકર્યુલર છે? આશિષે જણાવ્યું કે આવા વર્તનનો ભોગ બનનાર પોતે પ્રથમ નથી. થોડા વર્ષ પહેલાં પૂણેમાં SBIના તિલકનગર રોડ બ્રાન્ચમાં પણ એક કસ્ટમર શોર્ટસ પહેરીને ગયો હોવાથી પાછો મોકલવામાં આવ્યો હતો.

ફરિયાદી આશિષની ટ્વિટનો તરત જ જવાબ આપતાં SBIએ જણાવ્યું કે ગ્રાહકો માટે કોઈ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો નથી.

ગ્રાહકો સાર્વજનિક સ્થળે પહેરવા માટે સ્થાનિક લોકો દ્વારા સ્વીકાર્ય માપદંડ, પરંપરા અને સંસ્કૃતિ અનુસાર મનગમતા વસ્ત્રો પહેરીને બ્રાન્ચમાં આવી શકે છે. ફરિયાદી બ્રાન્ચનો કોડ મોકલશે તો જરૂર પગલાં લેવામાં આવશે.

(2:34 pm IST)