Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પીપાવાવ પોર્ટ પર પાકિસ્તાની ખજૂરના કન્ટેનરો ડિટેઈનકરાયા : 100 કરોડની ડ્યુટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ

દિલ્હીની ડમી પેઢીના નામે કરોડોનું કૌભાંડ : પાકિસ્તાનથી આયાત બતાવે તો 200 ટકા ડ્યુટી જ્યારે UAE માટે 30 ટકા ડ્યુટી લાગે : કસ્ટમ્સને શંકા જાય તે પહેલા જ 500 કન્ટેનર ક્લિયર કર્યા :તપાસ કરતા સમગ્ર મોડસ ઓપરેન્ડનો ભાંડો ફૂટ્યો :કસ્ટમે 100 કરોડની ડ્યુટી ચોરી બાદ 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો

અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ પર દિલ્હીની ડમી પેઢીના નામે આચરેલા કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન કરાયા છે.પાકિસ્તાનથી ખજૂરના કન્ટેનરો આવતા હતા.પરંતુ આ કન્ટેનરોને UAEના બતાવી 100 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી છે. પાકિસ્તાનથી આયાત બતાવે તો 200 ટકા ડ્યુટી લાગે જ્યારે UAE માટે 30 ટકા ડ્યુટી લાગે છે, જેથી આરોપીઓ 170 ટકા ડયુટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટમ્સને શંકા જાય તે પહેલા જ  500 કન્ટેનર ક્લિયર કર્યા હતા.જે બાદમાં તપાસ કરતા સમગ્ર મોડસ ઓપરેન્ડ સામે આવી હતી.જોકે હાલ કસ્ટમ્સે 100 કરોડની ડ્યુટી ચોરી બાદ 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો છે અને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.તેમજ 500 કન્ટેનરની તપાસ કર્યા વગર OC આપનાર કસ્ટમ્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે.તેમજ ખજૂર વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફંડિગ કરતા હોવાની પણ આશંકાઓ હાલ સેવાઈ રહી છે.

(11:13 am IST)