Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

બહેનના ઘરે કુંવારો ગયો હતો ભાઈ, ગામ લોકોએ અપહરણ કરી છોકરી સાથે પરાણે પરણાવી દીધોઃ ફેરા ફેરવી ઘરે છોડી મુકયો

પટના,તા. ૨૨: બિહારના નાલંદા જિલ્લામાં એક યુવકને તેની બહેનના ઘરે છઠનો પ્રસાદ ચડાવવો જવો મોંઘો પડ્યો હતો. આમ તો બહેનના ઘરે કુંવારો ગયો હતો, પણ પાછો આવ્યો ત્યારે પરણેલો આવ્યો. નાલંદાના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરોહા ગામમાં પરાણે લગ્ન કરવાનો મામલો સામે આવ્યો છે. પરોહા ગામમાં પિસ્તોલના ઈશારે છોકરા સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. યુવતીના લોકોએ પિસ્તોલના જોરે છોકરાનું અપહરણ કર્યું અને પછી તેને મંદિરમાં લઈ જઈ બળજબરીથી તેના લગ્ન કરાવી નાખ્યા હતા. હવે તેણે સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરી છે.

હકીકતમાં જોઈએ તો, સમગ્ર મામલો એવો છે કે, માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નીતિશ કુમાર ૧૧ નવેમ્બરના રોજ પોતાની બહેનના ગામ સરબહાદી છઠમાં પ્રસાદ આપવા ગયો હતો. પરત ફરતી વખતે, પરોહા પર ગામ નજીક પૂર્વથી તેના પર હુમલો કરી અમુક હથિયારધારી માણસોએ તેનું અપહરણ કર્યું અને તેને ગામના મંદિરમાં લઈ ગયા અને બળજબરીથી છોકરીની માંગમાં સિંદૂર પુરાવી ફેરા ફેરવી દીધા. વિદાય સમયે, છોકરીવાળાઓ બળજબરીથી છોકરાને રસ્તા પર ખેંચી લાવ્યા અને તેના ગામ મોકલી દીધો. આ સંદર્ભમાં નીતિશ કુમારે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. અરજી મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

એક સમયે બિહારમાં આવા લગ્ન ખૂબ જ સામાન્ય હતા, જોકે હવે આવા કિસ્સાઓ ભાગ્યે જ સાંભળવા મળે છે. વાસ્તવમાં, દહેજની મોટી ડિમાન્ડ ટાળવા માટે, દહેજ માટે થઈને પસંદગીના છોકરાનું અપહરણ કરે છે અને બળજબરીથી તેના પરિવારની છોકરી સાથે લગ્ન કરે છે. ૧૫-૨૫ વર્ષ પહેલા આવા કિસ્સાઓ વધુ આવતા હતા. અત્યારે પણ આવા કિસ્સાઓ ભાગ્યે જ સાંભળવા મળે છે. તાજા કેસમાં સત્ય શું છે તે તો પોલીસની તપાસમાં બાદ જ ખબર પડશે.

(10:03 am IST)