Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પઠાણકોટમાં છાવણી પર ગ્રેનેડ હુમલોઃ સમગ્ર જિલ્લામાં અલર્ટ જાહેર

લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો

પઠાણકોટ,તા. ૨૨: શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે. SSP પઠાણકોટ સુરિન્દર લાંબા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે. સૈન્ય વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાંથી કડીઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે પઠાણકોટના કાથવાલા પુલથી ધીરા તરફ જઈ રહેલા સેનાના ત્રિવેણી ગેટ પર મોટરસાઈકલ સવારોએ ગ્રેનેડ ફેંકયો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, ગેટ પર ફરજ પરના જવાન થોડા અંતરે હતા. જેથી કોઈને ઈજા થઈ ન હતી.

વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસએસપી પોતે દ્યટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરિન્દર લાંબા, એસએસપી, પઠાણકોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોડી રાત્રે કેટલાક લોકો મોટર સાઇકલ પર આવ્યા અને સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંકયો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ કયાંથી આવ્યા હતા, કયાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. સેનાના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. તમામ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

(10:44 am IST)