Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

લગ્નના ખર્ચમાં સામાન્ય વર્ગને ટેક્ષનો માર અલગ-અલગ ખર્ચમાં જીએસટી ચૂકવવો પડે છે

લગ્નમાં GSTનો મારઃ સાત લાખ સુધીના લગ્નમાં ૧ લાખથી વધારે રૂપિયાનો તો ટેકસ જ હોય છે!

નવી દિલ્હી,તા. ૨૨: લગ્નગાળાની સિઝન શરૂ થવાની છે, અને એક અંદાજ મુજબ રાજયમાં ફેબ્રુઆરી સુધીના પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે. તમામ લોકો ધામધૂમથી લગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં હોય છે. અને આજના સમયમાં લગ્નમાં મધ્યમ પરિવારમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. પણ શું તમને ખબર છે કે, લગ્નના ખર્ચમાં મસમોટો ટેકસ પણ સામેલ હોય છે. લગ્ન માટેની વિવિધ સર્વિસના ઉપયોગ પર જીએસટી ચૂકવવો પડે છે. અને જો એક લગ્નમાં સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે તો, તેમાં ૧ લાખ રૂપિયા સુધીનો તો જીએસટી સામેલ હોય છે. અને આ જીએસટી કેવી રીતે સામેલ હોય છે તે અંગે આજે અમે તમને જણાવીશું.

લગ્ન માટે નાના પરફ્યુમથી માંડી મોંઘાદાટ કપડાં, જવેલરી, મેરેજ હોલ, બ્યૂટી પાર્લર, કંકોત્રી, ફૂટવેર સહિતની અનેક વસ્તુઓ પર આપણે ખર્ચ કરતાં હોય છે. અને આ તમામ વસ્તુઓ પર આપણને જીએસટી આપવો પડે છે. અને જો આ તમામ વસ્તુઓ પર જીએસટી રેટની ગણતરી કરવામાં આવે અને જો લગ્ન પર સાત લાખ રૂપિયાનો ખર્ચ કરેલ હોય તો, તેમાં ૧ લાખ રૂપિયા કરતાં વધારેનો જીએસટી જ સામેલ હોય છે.

ઉપરના રેટ મુજબ જીએસટી ઉદાહરણ દ્વારા સમજીએ તો, જો મેરેજ ગાર્ડનમાં દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે તો, ૧૮ ટકા જીએસટી ગણતાં ૨૭ હજાર રૂપિયા થાય, અને ટેન્ટ પાછળ ૫૦ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો, તેમાં ૯૦૦૦ રૂપિયાનો જીએસટી સામેલ હોય છે. આ ઉપરાંત લગ્નમાં કેટરિંગ ઉપર દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવા પર ૨૭ હજાર રૂપિયાનો જીએસટી આપવો પડે છે. અને આ જ રીતે જો દોઢથી બે લાખ રૂપિયાની ગોલ્ડ જવેલરી ખરીદવામાં આવે તો તેના પર ત્રણથી ચાર હજાર રૂપિયા જીએસટી આપવો પડે છે. આમ આ રીતે જો લગ્ન પાછળ સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો તેમાં ૧ લાખ રૂપિયાથી વધારે જીએસટી આપવો પડે છે. (૨૨.૯)

લગ્નમાં કઈ-કઈ વસ્તુઓ પર કેટલો જીએસટી લાગે છે?

કપડાં અને ફૂટવેર

૫-૧૨ ટકા

ગોલ્ડ જવેલરી

૩ ટકા

મેરેજ ગાર્ડન

૧૮ ટકા

ટેન્ટ

૧૮ ટકા

લાઈટિંગ

૧૮ ટકા

ડેકોરેશન

૧૮ ટકા

બેન્ડવાજા

૧૮ ટકા

ફોટો-વિડીયો

૧૮ ટકા

કંકોત્રી

૧૮ ટકા

બ્યૂટી પાર્લર

૧૮ ટકા

કેટરિંગ

૧૮ ટકા

બસ-ટેકસી સર્વિસ

૫ ટકા

(10:01 am IST)