Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાજસ્થાન : ૮ જિલ્લામાં પણ આજથી રાત્રિ કર્ફ્યુ

સાંજે ૭ વાગ્યે બજાર બંધ કરી દેવાશે

જયપુર, તા. ૨૨ : રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, આવામાં સૌથી વધુ પ્રભાવિત આઠ જિલ્લાઓમાં આજથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવશે. સાથે જ આ આઠેય જિલ્લાઓમાં સાંજે ૭ વાગ્યે બજાર બંધ કરી દેવાશે. જ્યારે રાતના ૮થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

રાજસ્થાનના જયપુર, બીકાનેર, ઉદયપુર, અજમેર , કોટા, અલવર અને ભીલવાડામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવશે. ખાસ વાત એ છે કે, લગ્નમાં જતાં લોકો માટે નાઇટ કર્ફ્યુની છૂટ રહેશે. સરકારે શનિવારે મોડી રાતે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. સાથે જ સરકારે માસ્ક ન પહેરનારની દંડની રકમ ૨૦૦થી વધારીને ૫૦૦ રૂપિયા કરી દીધી છે. જ્યારે નાઇટ કર્ફ્યુ દરમિયાન દવાની દુકાનો, બસ, ટ્રેન અને હવાઇ મુસાફરી કરનાર સહિતની જરૂરી સેવાઓને નાઇટ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે.

નવી ગાઇડલાઇન પ્રમાણે પ્રભાવિત આઠ જિલ્લાઓમાં ૧૦૦થી વધુ કર્મચારીવાળી સરકારી અને ખાનગી ઓફસોમાં ૭૫ ટકા કર્ચમારીઓને જ બોલાવી શકાશે. રોટેશન પ્રમાણે ૨૫ ટકા ઘરેથી જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં શનિવારે ૩ હજાર કેસ સામે આવ્યા હતા.

(7:49 pm IST)