Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

નગરોટા : આતંકીઓને કમાન્ડો ટ્રેનિંગ અપાયાનો ખુલાસો

ત્રાસવાદી ૩૦ કિમી ચાલીને ભારતમાં ઘુસ્યા હતા : હવે સુરક્ષા એજન્સીઓ જેમ જેમ આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યાં છે

નવી દિલ્હી, તા. ૨૨ : સેના એ જમ્મુ-કાશ્મીરના નગરોટામાં ૧૯ નવેમ્બરે એક ટ્રકમાં સવાર ૪ આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના હતાં અને તેના પુરતા પુરાવા પણ હાથ લાગ્યા છે. હવે સુરક્ષા એજન્સીઓ જેમ જેમ આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યાં છે.

સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું છે કે, આ ત્રાસવાદીઓને કમાંડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તમામને પઠાણકોટમાં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ કાસિમ જાન હેંડલ કરી રહ્યો હતો. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓને મહત્વની જાણકારી એ મળી છે કે, આ તમામ આતંકીઓ ૩૦ કિલોમીટર ચાલીને આવ્યા હતાં અને ભારતની સરહદમાં ઘુસ્યા હતાં.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી હાથ આગી છે કે, અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાને હટાવવા અને તાલિબાનના પુનરુત્થાન બાદથી જૈશ-એ-મોહમ્મદના આતંકી ઝડપથી જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ થઈ રહ્યા છે. કમાંડો ટ્રેનિંગ લીધેલા આતંકવાદીઓને ગુજરાંવાલાના રસ્તે ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ, નગરોટા એક્નાઉન્ટરમાં ઠાર મરાયેલા જૈશના તમામ ૪ આતંકીઓને કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકી શકરગાહમાં સાંબા સરહદ પર જૈશના શિબિરથી ૩૦ કિલોમીટર પગપાળા ચાલીને આવ્યા હતા. ત્યારબાદ જટવાલ સ્થિત પિકઅપ પોઇન્ટ સુધી પહોંચ્યા હતા. નોંધનીય છે કે સાંબાના કઠુઆ સુધીનો રસ્તો ૬ કિલોમીટરનો છે. માટે કહી શકાય કે આતંકવાદી રાતના અંધારામાં જ ભારતમાં ઘૂસી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ, આતંકી લગભગ અઢી કલાક પગપાળા ચાલીને ભારતની સરહદ સુધી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ આતંકીઓ સંભવિત માર્ગ સાંબા સેક્ટરમાં માવા ગામ હતું, જે રામગઢ અને હીરાનગર સેક્ટરની વચ્ચે છે. અહીંથી તેઓ નાનાથ નાળાની પાસે કાચા રસ્તા મારફતે બોર્ડર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ રાત્રે લગભગ ૩ વાગ્યે આતંકવાદી જેકે૦૧ એએલ  ૧૦૫૫ નંબર ધરાવતી એક ટ્રકમાં સવાર થઇ ગયા હતા.

મોડી રાત્રે લગભગ ૩:૪૪ વાગ્યે આ ચારેય આતંકીઓ જમ્મુ તરફ સરોસ ટોલ પ્લાઝા પાર કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ટ્રક નરવાલ બાયપાસ થઈને કાશ્મીર તરફ આગળ વધી. જોકે સવારે લગભગ ૪:૪૫ વાગ્યે ભારતીય સુરક્ષા દળોએ ટ્રકને બન ટોલ પ્લાઝાની પાસે રોકી દીધી અને ૪ આતંકવાદીઓને એક્નાઉન્ટરમાં ઢાળી દીધા.

(7:49 pm IST)