Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોનાનો સામનો કરવા કેન્દ્ર સરકાર ફરીવાર એક્શનમાં

યુપી, પંજાબ અને હિમાચલમાં મોકલી ટીમો : આ રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો

નવી દિલ્હી, તા. ૨૨ : કોરોનાના વધતાં કેસો સામે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ટીમો મોકલી છે. આ રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર આ પહેલાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુરમાં કોરોના વિરુદ્ધ અભિયાનની દેખરેખ માટે ટીમો મોકલી ચૂકી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે, શિયાળામાં કેસો વધતાં તપાસ વધારવી જોઇએ અને એવા દર્દીઓને ઓળખ કરે જે લોકો પોતે અજાણ છે. રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ માટે આક્રમક રીતે અભિયાન ચલાવવા કહેવામાં આવ્યું છે. જેથી કોરોના પોઝિટિવ લોકોને શરૂઆતના તબક્કામાં જ પકડી શકાય.દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫,૨૦૯ કેસો નોંધાતા કુલ આંકડો વધીને ૯૦.૯૫ લાખને પાર થઈ ગયો છે. બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો ૮૫,૨૧,૬૧૭ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે દેશમાં ૨૪ કલાકમાં ૫૦૧ દર્દીઓના મોત થયા હતા જેને પગલે કુલ મૃત્યુઆંક ૧,૩૩,૨૨૭ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોનાના સંક્રમણના પગરવના આઠ મહિના પછી પહેલી વખત પોઝિટિવ કેસની નવી પીક આવી છે. ૨૪ કલાકમાં વધુ ૧૫૧૫ નવા સંક્રમિત લોકો મળી આવતાં સરકારને હોસ્પિટલોમાં પથારીઓ વધારવા અને દર્દીઓને હોસ્પિટલભેગાં કરવા એમ્બ્યુલન્સની ફ્લિટ વધારવા દોડધામ કરવી પડી છે. રાજ્યમાં સંક્રમણ વધ્યું એમાં ૩૫૪ કેસ સાથે અમદાવાદ મહાનગરનો સૌથી મોટો ફાળો છે.

(7:40 pm IST)