Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

દુબઈના શાસકની પત્નીના બોડી ગાર્ડ સાથે અનૈતિક સબંધો હતા

બ્રિટનની કોર્ટમાં સુનાવણીના આધારે રિપોર્ટમાં દાવો : બોડીગાર્ડને ચૂપ રહેવા માટે ૧૨ કરોડ પ્રિન્સેસે ચૂકવ્યા શાસકે ૨૦૧૯માં હયાની જાણ બહાર તલાક આપ્યા હતા

લંડન, તા. ૨૧ : દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની રાજકુમારી પત્નીના પોતાના બોડીગાર્ડ સાથે અનૈતિક સંબંધોનો ખુલાસો થયો હતો. જે અંગે ચૂપ રહેવા માટે રાજકુમારી હયાએ બોડીગાર્ડને આશરે ૧૨ કરોડ રુપિયા પણ આપ્યા હતા. બ્રિટન કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનવણીના આધારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો.

દુબઇના શાસકે પત્ની હયાને જાણ બહાર શરિયા કાનૂન હેઠળ ૨૦૧૯માં તલાક આપી દીધા હતા.

રિપોર્ટ મુજબ રાજકુમારી હયાનો બોડીગાર્ડ પરણેલો હતો અને રાજકુમારી હયા સાથે અફેરના લીધે લગ્ન તૂટી ગયા હતા. પ્રિન્સેસ હયા તેમના બોડીગાર્ડને મોંઘી ભેટ આપતી હતી જેમાં ૧૨ લાખની ઘડિયાળ અને ૫૦ લાખની બંદૂક સામેલ હતી. તેઓ દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરના પત્ની હતા. તેઓ વર્ષો પહેલા દુબઇ છોડી બ્રિટનમાં જઇ વસ્યા હતા. બાળકોની કસ્ટડી લેવા માટે તેમણે બ્રિટન કોર્ટમાં કેસ કર્યો હતો, જેનુ પરિણામ તેમના પક્ષમાં આવ્યુ હતું.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ૪૬ વર્ષીય રાજકુમારી હયાના બ્રિટનના ૩૭ વર્ષના બોડીગાર્ડ રસેલ સાથેના સંબંધો પર ચૂપ રહેવા માટે અન્ય ત્રણ બોડીગાર્ડને કરોડો રુપિયા આપ્યા હતા. જોકે રાજકુમારી હયા તેમના અનૈતિક સંબંધોને પહેલેથી નકારતા આવ્યા હતા.

(12:00 am IST)