Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઉદ્ધવ ઠાકરેની લીડરશીપ પર સહમતિ થઇ : શરદ પવાર

ત્રણેય પાર્ટીઓના નેતાઓની બે કલાક સુધી બેઠક :વાટાઘાટોનો સિલસિલો આજેય જારી રહેશે : રાજ્યપાલને ક્યારે મળાશે તેને લઇને આજે ફેંસલો થાય તેવી સંભાવના

મુંબઈ, તા. ૨૨ : મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારના સ્વરુપને લઇને અંતિમ નિર્ણય શનિવાર પર આજે ટળી ગયો હતો. મુંબઈના નહેરુ સેન્ટરમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓની બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી જેમાં મુખ્યમંત્રી પદને લઇને મોટાભાગે સહમતિ થઇ ગઈ હતી. બેઠક બાદ બહાર આવીને એનસીપીના વડા શરદ પવારે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તેમને લઇને કોઇ બે મત નથી. ઉદ્ધવ ઠાકરેની લીડરશીપ ઉપર ત્રણેય પાર્ટીઓ સહમત છે. આ ઉપરાંત અન્ય મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. શનિવારના દિવસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મેરેથોન બેઠક બાદ મહારાષ્ટ્રમાં લીડરશીપના મુદ્દે સહમતિ થઇ ચુકી છે.

                  પવારે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની પાસે જ આ સરકારની લીડરશીપ છે. એનસીપી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ લેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, લીડરશીપનો મામલો અમારી સામે પેન્ડિંગ નથી. તેમણે કહ્યું હતું કે, શનિવારના દિવસે આના ઉપર નિર્ણય લેવાશે. રાજ્યપાલને ક્યારે મળવામાં આવશે તે અંગે આવતીકાલે નિર્ણય થશે. આજે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સીએમપી અને સરકારમાં પાર્ટીઓની ભૂમિકા પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહામંથનમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની બેઠકમાં નવી સરકાર બનાવવાને લઇને ચર્ચા થઇ હતી. બીજી બાજુ બેઠક બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પ્રથમ વખત ત્રણેય પાર્ટીઓના નેતા એકત્રિત થયા છે. અમે ઇચ્છીએ છીએ કે, સરકાર બનતા પહેલા કોઇ એવો મામલો ન રહે જેને લઇને વિવાદો ઉભા થાય. રચનાત્મક ચર્ચા થઇ છે. તમામ મુદ્દાઓ ઉપર વાતચીત થઇ છે.

                 બેઠકમાં એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, સંજય રાવત જેવા શિવસેનાના નેતાઓ, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, પૃથ્વીરાજ ચૌહાણ જેવા કોંગ્રેસી નેતાઓ એકત્રિત થયા હતા. એનસીપી તરફથી પ્રફુલ પટેલ, જયંત પાટિલ અને અજીત પવાર સામેલ થયા હતા. રાજ્ય વિધાાનસભાની ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરે આવી ગયા હતા પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો જેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનલાગૂ કરવામાં વ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસે કહ્યું છે કે, વાતચીત આવતીકાલે પણ જારી રહેશે. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે, વાતચીત આવતીકાલે જારી રહેશે.

(9:38 pm IST)