Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રેલવેના ખાનગીકરણની કોઇ યોજના નથી : પીયુષ ગોયેલ

રેલવે ભારત અને ભારતીયોની સંપત્તિ છે : પીયુષ ગોયેલ : યાત્રીઓને વધુને વધુ સારી સુવિધા આપવા ખાનગી કંપની પાસેથી કોમર્શિયલ-ઓનબોર્ડ સેવાઓની આઉટસોર્સિંગ

નવીદિલ્હી, તા. ૨૨ : રેલવેના ખાનગીકરણની ચર્ચાઓ વચ્ચે રેલવેમંત્રી પીયુષ ગોયેલે આજે મોટુ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રેલવે ભારત અને ભારતીયોની સંપત્તિ છે અને આગળ પણ રહેશે. ગોયેલે કહ્યું હતું કે, રેલવેના ખાનગીકરણની શક્યતા રહેલી નથી. સરકાર રેલવેના ખાનગીકરણ કરવાની કોઇ યોજના ધરાવતી નથી. બલ્કે યાત્રીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી કોમર્શિયલ અને ઓનબોર્ડ સેવાઓના આઉટ સોર્સિંગ કરી રહી છે. રાજ્યસભામાં પ્રશ્ન કલાક દરમિયાન પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું હતું કે, રેલવેને ચલાવવા માટે આગામી ૧૨ વર્ષમાં રેલવેને ચલાવવા માટે અંદાજિત ૫૦ લાખ કરોડ રૂપિયાની મૂડી સરકાર એકલા હાથે એકત્રિત કરી શકે તેમ નથી જેથી પગલા લઈ રહી છે. રાજ્યસભામાં ગોયેલે કહ્યું હતું કે, અમારો ઇરાદો યાત્રીઓને વધુ સારી સુવિધા આપવા માટેનો રહેલો છે. બજેટ સંબંધિત દબાણ અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, દરરોજ સંસદ સભ્યો રેલવે લાઈનો અને વધુ સારી સેવાઓની માંગણીઓને લઇને તેમની પાસે આવી રહ્યા છે. રેલવે માટે આગામી ૧૨ વર્ષમાં ૫૦ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની બાબત શક્ય દેખાઈ રહી નથી.

                         અમે તમામ લોકો આને સારીરીતે જાણીએ છીએ. યાત્રીઓની વધતી જતી ભીડને પહોંચી વળવા હજારો નવી ટ્રેનો અને વધુને વધુ મૂડીરોકાણના સંદર્ભમાં વાત કરતા રેલવેમંત્રીએ કહ્યું હતું કે, જો ખાનગી કંપનીઓ રેલવેમાં રોકાણ માટે ઇચ્છુક છે તો વર્તમાન વ્યવસ્થાને ચલાવવા માટે કેટલાક પગલા લેવા પડશે. આનાથી ગ્રાહકો અને યાત્રીઓને ફાયદો થશે. રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીએ કહ્યું હતું કે, અમે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી માત્ર કોમર્શિયલ અને ઓનબોર્ડ સર્વિસના આઉટસોર્સિંગ કરી રહ્યા છે.માલિકી હક રેલવે પાસે જ રહેશે.

(7:47 pm IST)